ટીમ ઇન્ડિયાના સ્તર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા સમય પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. હવે આ ખેલાડી પોતાના ભાઈ કૃણાલ પંડ્યાની કપ્તાની હેઠળ ખાસ ટુર્નામેન્ટ રમતા જોવા મળશે.
હાર્દિક પંડ્યા તાજેતરમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર T20 સીરીઝમાં રમતા જોવા મળ્યા હતા. જોકે આ સીરીઝમાં હાર્દિકનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ત્યારે હવે આ સ્ટાર ઓલરાઉન્ડર ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે તૈયાર છે પરંતુ હાર્દિક ડોમેસ્ટિક ક્રિકેટ લાલ બોલ ક્રિકેટમાં નહીં પરંતુ વ્હાઈટ બોલની ક્રિકેટમાં જ રમતા જોવા મળશે.
- Advertisement -
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળશે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેમના ભાઈ કૃણાલ પંડ્યાની કપ્તાની હેઠળ આ ટુર્નામેન્ટ રમવી પડશે. આ ભારતની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હાર્દિક પંડ્યા પણ લાંબા સમય બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરવા જઈ રહ્યા છે. બંને ભાઈઓ વડોદરાની ટીમ માટે સાથે રમતા જોવા મળશે. વડોદરાની ટીમ ગત સીઝનમાં ટુર્નામેન્ટની રનર્સઅપ રહી હતી, પરંતુ હવે બંને ભાઈઓ ઇચ્છશે કે ટીમ ચેમ્પિયન બને. હાર્દિકે 8 વર્ષ બાદ બરોડાની ટીમમાં એન્ટ્રી કરી છે. હાર્દિકના આવવાથી હવે બરોડાની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.
આ ટૂર્નામેન્ટમાં માત્ર હાર્દિક પંડ્યા જ નહીં પરંતુ અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ પણ રમવાના છે, જેમાં T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ સામેલ છે. એવામાં કહી શકાય કે આ વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વધારે જ સ્ટાર સ્ટડેડ જોવા મળશે. છેલ્લી વખત હાર્દિક પંડ્યા વર્ષ 2016માં આ ટૂર્નામેન્ટ રમ્યા હતા. આ પછી તેઓ વધુ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા ન હતા કારણ કે તે મોટાભાગનો સમય નેશનલ ટીમમાં હતા. જયારે કૃણાલ પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટમાં વડોદરા ટીમ માટે ટોપ પરફોર્મર રહ્યા છે અને તેમની કેપ્ટન્સી પણ સારી રહી છે.
- Advertisement -
વડોદરા માટે પ્રથમ તબક્કાની રણજી ટ્રોફી મેચોમાં પણ કૃણાલ પંડ્યા જ કેપ્ટન હતા. ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી, જેમાં મુંબઈ સામેની જીત પણ સામેલ છે. આ સીઝન કૃણાલ પંડ્યા માટે ખાસ રહી છે. ડાબોડી બેટ્સમેને 7 ઇનિંગ્સમાં 367 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. ગત સીઝનમાં કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમના ટોપ સ્કોરર હતા. જોકે ફાઇનલમાં વડોદરા પંજાબ સામે હારી ગયું હતું. હવે આ ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂ થશે અને વડોદરાને ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કિમની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ ખૂબ જ રસપ્રદ છે. કૃણાલ પંડ્યાની કપ્તાનીમાં વડોદરાની ટીમ આ ટૂર્નામેન્ટમાં ગુજરાત સાથે તેની પ્રથમ મેચ રમતી જોવા મળશે.