લેખ: પિતાનું મૌન- રેખા પટેલ (ડેલાવર)
ખુશીમાં પિતા છાંયાની જેમ રહે, દૂરથી જુએ, અને ગર્વથી હસે. દુ:ખના વાદળ છવાય જયારે, સહુથી પહેલા એ આગળ ખસે.
- Advertisement -
પિતાનું સ્થાન કુટુંબમાં મજબૂત થાંભલા જેવું હોય છે, દેખાતું ઓછું, પણ આધાર પૂરું આપે. ખુશીમાં ભલે પિતા દૂર રહે, પરંતુ દુ:ખમાં સહુ પ્રથમ હોય છે. જ્યારે આપણે જગતમાં ઉભા રહેતા શિખીએ, ત્યારે ખબર પડે કે પિતાનું મૌન એ જગતનો સૌથી મજબૂત આધાર છે. એ મૌનમાં, કડપમાં કાળજી અને આપણું ભવિષ્ય સુરક્ષિત રહે. એ સહજ કહે નહીં કે હું તને પ્રેમ કરું છું, પરંતુ હુંફાળા સ્પર્શથી જ બધું જતાવે છે. શબ્દો ઓછા હોય છે, પણ હૃદય ભરેલું હોય છે. પિતા એક એવો શબ્દ કે જેમાં માત્ર જવાબદારી, સખ્તાઈ કે શિસ્ત નથી છુપાયેલી, પરંતુ ઘણીવાર અભિવ્યક્ત ન થઈ શકતી એક અનોખી કાળજી પણ હોય છે. પિતા ઘણીવાર શાંત રહે છે, ઓછું બોલે છે, આપણી દરેક ભૂલ પર તરત ટિપ્પણી નથી કરતા પરંતુ નજરમાં કડકાઈ હોય છે. જે આપણે બાળપણમાં કદાચ અન્યાય સમજીએ છીએ,પણ મોટાં થતા ત્યારે સમજાય છે કે એ કડપ પણ કાળજીનો જ એક રૂપ છે. જીવંત ઉદાહરણ જેવું કે, જ્યારે પિતા રમત રમતા છોકરાને ઘરમાં આવવાનું કહેશે, ત્યારે એ માત્ર સમય નિયમ નથી, એ ભવિષ્યની શિસ્ત માટેનું શિક્ષણ છે જે આગળ વધવા જરૂરી છે. તેમના હાથમાં ભલે પ્રેમ ન દેખાય, તેમનું સ્પર્શમાં કેટલાય ત્યાગોનાં પૂરાવા મળે છે. તે ગમતાં સુખોથી વંચિત રહીને પણ ઘર ચલાવે છે. જ્યારે કોઈ વાતમાં બાળકનું ભવિષ્ય અસ્થિર લાગે તો એજ કડક બની રાહ બદલાવે છે પછી ભલેને સહુની નજરમાં કડવાશ આવે. જ્યારે બાળકનું ભલું નક્કી હોય, ત્યારે એ શાંત રહીને પોતાનો મત આપે છે. પિતાના મૌનમાં અને કડપમાં જે સુરક્ષા છુપાયેલી હોય છે, એ આખા પરિવાર માટે આધાર હોય છે, જાણે કે એક વૃક્ષ, જેના છાંયામાં આપણે નિર્ભય રહી શકીએ છીએ. પિતા – એ પુરુષનો નવો જન્મ છે, પિતા બનતા પહેલા, દરેક પુરુષ પોતાના જીવનમાં અનેક સપનાઓ, શોખ અને મોજમસ્તી સાથે જીવતો હોય છે. પરંતુ પિતૃત્વ મળવાથી, એના જીવનની દિશા બદલાય છે.એ વ્યક્તિ હવે માત્ર પોતાનો જ નહીં પણ પરિવાર અને ખાસ કરીને બાળકોની જવાબદારી નિભાવી શકે એનો પિતા બને છે. એ ઓળખમાં એક નવી ઊર્જા, એક નવી જવાબદારી, અને એક અદભૂત પ્રેમ છુપાયેલો હોય છે. એ જીવનને નવા મર્મથી જુએ છે. મિત્રો સાથેનું સમય વિતાવવું ઓછું થાય છે, મનપસંદ શોખ થંભી જાય છે, પરંતુ તેના બદલે બાળકોની સ્મિત અને હાસ્ય એના માટે સર્વસ્વ બની જાય છે. એ પોતાની આવક, સમય,ખુશી કુટુંબ માટે લગાવી દે છે.આ બધું એ પોતાની ઈચ્છાથી કરે છે. પિતાનું મન સમજવું આસાન નથી, એ પ્રેમ છુપાવે છે, દેખાડતો નથી. તેના સુખ દુ:ખ સમજવા સહજ નથી, કારણ એ શબ્દોથી કશું જતાવતા નથી. બાળકો અને કુટુંબ માટેનો તેમનો ત્યાગ એ ક્યારેય કહી બતાવતા નથી. એથી તેમની તકલીફ સમજવી મુશ્કેલ બની જાય છે.
મોટા સપનાને પિતા બાળકના નાંના પગલાંમાં જુએ છે,
પિતાનું દિલ આંખોથી નહીં, કર્મોથી બોલે છે.
પસંદ આવે ન આવે સઘળું ખુશીથી ત્યાગ કરે છે.
સંતાનના ભવિષ્ય માટે આપે એ દરવાજા ખોલે છે.
ખુશીમાં પિતા છાંયાની જેમ રહે,
દૂરથી જુએ, અને ગર્વથી હસે.
દુ:ખના વાદળ છવાય જયારે,
સહુથી પહેલા એ આગળ ખસે.
- Advertisement -
દુ:ખના વાદળ છવાય જયારે,
સૌમાં પહેલો આગળ આવે.
કર્મથી નથી એ કદી થાકતો,
બાળક માટે જગને પણ ડારતો
હસે આંખોથી પણ અંતરે ચિંતા,
સંતાનની ખુશી આપે છે શાંતા.
પિતાનું મૌન એક વાત છે વિશાળ,
અદ્રશ્ય છે એ પ્રેમ, પણ તત્કાળ.
એ મૌન તળાવ જેવું ગહન,
શબ્દ વગર પણ કહે બધું સપન.
જ્યાં બધા છૂટે છે પળ માટે,
પિતાનું મૌન ઉભું હોય બળ માટે.
શોક સંદેશ- અમદાવાદ પ્લેન દુર્ઘટના
અમદાવાદમાં બનેલી દુર્ઘટનામાં અકારણ રીતે અનેક નિર્દોષ લોકોના મૃત્યુના સમાચાર અતિ શોકજનક છે. જે પરિવારોએ પોતાના લાડકવાયા સભ્યો ગુમાવ્યા છે, એમના દુ:ખની ગણતરી કોઈ શબ્દોમાં કરી શકાય તેમ નથી.
આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી – તે અમર સપનાઓનો અધૂરો અવસાન છે, પુત્રોની રાહ જોતી માતાઓનો સંઘર્ષ છે. કપાળે ચાંદલો કરીને વહાલાઓને આપેલી કાયમી વિદાય છે. ઘરના ખૂણેથી દુનિયાની દીવાલ સુધી પાંખ ફેલાવનારાઓની વિમાનની પાંખોએ દુનિયામાંથી વિદાય કરી દીધાં.
ભગવાન એ આત્માઓને શાંતિ આપે અને પરિજનોને આ અકાળ શોક સહન કરવાની શક્તિ આપે – એજ પ્રાર્થના. ઓમ શાંતિ.
આ મુશ્કેલ ઘડીએ, સહુની સમવેદના વ્યક્ત કરવા માટે એક કવિતા, જે એક શ્રદ્ધાંજલિ પણ.
આંખોમાં જુદાઈની નમી છતાં,
હોઠ હસતાં હતાં.
વિદાઈ આપતા સ્વજનોના
આવજો કહેતા હાથ ઊંચકાયા.
ફરી મળીશું, વહેલાં પાછા આવીશું –
આ બધા વાયદા ખોટા પડવાના
એ કોણ જાણતું હતું?
સપના બહુ બધા અધૂરા હતા,
જે પૂરાં કરવાની હતી હામ
એ કાજ તો છોડ્યા હતા ધર ગામ,
દુનિયા છોડવાની વાત જ નહોતી,
ના ઉંમર હતી કઈ જાવાની.
આમ તો મુસાફરી હતી સફળતાની,
પણ અંત આવ્યો એક આંચકામાં.
કોઈને કોઈની ભાળ નથી,
અસ્થીની ઓળખ નથી.
એક ક્ષણમાં જગત ઊજળી ગયું,
સપનાનું આકાશ ખાલી બન્યું છે.
હવે પાછું કોઈ આવવાનું નથી,
શબ્દો વગરનું શોક જ કહે છે બધું.
કેમ જીવન અચાનક એળે ગયું?
કેમ ઇશ્ર્વરે પ્રશ્ર્ન વગર જવાબ દીધો?
મેઘધનુષથી ભીના સપનાઓ,
હવે ફક્ત યાદોની ધાર રહે છે.
મૌનમાં પણ દુ:ખ બોલે છે, આ દુ:ખને હવે, વિદાય નહીં –
શું અંતિમ આવકાર કહેવો?