ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ 17 સપ્ટેમ્બર, 2025ના રોજ અમૃત મહોત્સવ રૂપે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે નરેન્દ્ર મોદી પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, અદભૂત દેશભક્ત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમના નેતૃત્વમાં પ્રજાએ શાંતિ અને સલામતીનો અનુભવ કર્યો છે. જી.એસ.ટી.માં દરોમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવી હોય કે આર્ટિકલ 370 દૂર કરવું, રામમંદિર નિર્માણ કરાવવું કે સ્ત્રી સશક્તિકરણ, તમામ ક્ષેત્રોમાં તેમની ઉપલબ્ધિઓ ઐતિહાસિક રહી છે.
- Advertisement -
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન તરીકે મોદીએ સુશાસનનાં 11 વર્ષ દરમિયાન રેલવે સુરક્ષા, આધુનિકીકરણ, ડિજિટલ પેમેન્ટ, આરોગ્ય સેવા, ઉજ્જવલા યોજના, જન આરોગ્ય યોજના, કિસાન સન્માન નિધિ અને નલ સે જલ જેવી યોજનાઓને ઘરની દરેક સ્ત્રી-પુરુષ સુધી પહોંચાડી છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન તરીકે 24 વર્ષના તેમના શાસન દરમિયાન સૌરાષ્ટ્રની કાયાપલટ કરનારા અનેક પ્રોજેક્ટો – સૌની યોજના, એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, યુનિવર્સિટીઓ, ઓખા-બેટદ્વારકા બ્રિજ, જામનગર-અમૃતસર હાઇવે અને દહેજ-ઘોઘા રો-રો ફેરી જેવા વિકાસ કાર્યો તેમણે આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતને નવા શિખરો પર પહોંચાડ્યા છે.
રાજુભાઈ ધ્રુવે અંતે જણાવ્યું કે, ભારતને આવા યશસ્વી પ્રધાનમંત્રી મળ્યા એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. 140 કરોડ ભારતીયોની પ્રાર્થના છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દીર્ઘાયુષ્ય સાથે દેશનું નેતૃત્વ કરતા રહે.



