લાખો ભક્તોની મેદની વચ્ચે ‘જય બજરંગબલી’ના નાદથી ગુંજી ઉઠ્યું મેદાન
કેસરીનંદનના જન્મોત્સવમાં બાળકો હનુમાનજીના રૂપમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ અંતર્ગત 1 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે એક અભૂતપૂર્વ “હનુમાન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે સ્ટેજ પર 151 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીના પ્રાગટ્યના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ પર નાના-મોટા અનેક બાળકો હનુમાનજીના વેશ ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. “જય બજરંગબલી” અને “જય શ્રી રામ”ના નાદ સાથે આ બાળકો સ્ટેજ પર ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હનુમાનજીના જન્મોત્સવને વધાવવા માટે ભવ્ય આતશબાજી અને આધુનિક ’ફાયર શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દૃશ્યો નિહાળવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 60 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. લોકોની ભારે ભીડને જોતા રેસકોર્સ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હોય તેવું લાગતું હતું. આજે હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ/ઉત્સવ રાખવામાં આવ્યો છે, આ અવસરે રાજકોટના કોઈ પણ લોકો પોતાના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાદા માટે કંઈક વાનગી કે પ્રસાદ બનાવીને કથા સ્થળે લાવવા માટે અપીલ કરવામાં આવી છે. જે કોઈ લોકો અન્નકૂટ ઉત્સવમાં મીઠાઈ અથવા ફ્રુટ લઇને આવે તે કથા સ્થળે સાંજે સાત વાગ્યા સુધીમાં પહોંચાડી દેવા યુવા હનુમાન ચાલીસા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ફાયર શૉ બાદ VIP ડોમમાં આગ લાગી
- Advertisement -
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના સ્વયંસેવક ગૌરવભાઈ મહેતાએ ફાયર બ્રિગેડમાં જણાવ્યા મુજબ, 1 જાન્યુઆરીના રાત્રે 12 વાગ્યા આસપાસ હનુમાન ચાલીસા યુવા કથા દરમિયાન ફાયર શો રાખવામાં આવ્યો હતો, જે ફાયર શો પૂર્ણ થયા બાદ ફટાકડાનો તણખો VIP ડોમ પર પડ્યો હતો. જેના લીધે આગ લાગી હતી. જોકે કથાનું આયોજન હોવાથી ફાયર બ્રિગેડની 2 ગાડી અગાઉથી સ્ટેન્ડબાય હતી અને ફાયર શો હોવાથી ફાયર બ્રિગેડની ત્રીજી ગાડી પણ રાખવામાં આવી હતી. આગ લાગી ત્યારે ફાયર ફાઇટર સાથે કાફલો સજ્જ હોવાથી તુરંત જ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખવામાં આવી હતી. કોઈ જાનહાનિ ન થતા આયોજકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.



