યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કથા; ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો મુખ્ય હેતુ
27 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી હનુમાન દાદાની કથાથી રાજકોટ ધન્ય બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કળિયુગના હાજરાહજૂર દેવ હનુમાનજી મહારાજની કૃપા મેળવવા અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવાના ઉમદા હેતુથી રાજકોટ શહેરમાં બીજી વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કથા તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં સાળંગપુર ધામના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે.
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સર્વ સમાજને સાથે રાખીને ચાલવાનો છે. યુવાનોમાં વધી રહેલા વેસ્ટર્ન કલ્ચરના પ્રમાણ સામે ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટે આ કથા એક મહત્વનું માધ્યમ બનશે. આયોજકોનો ધ્યેય ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો છે, સાથે જ દરેક સમાજના લોકોમાં દેશદાઝ પ્રજ્વલિત કરવાનો છે.
અગાઉ 2022-2023માં યોજાયેલી કથામાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દરરોજ 70 હજારથી વધુ શ્રોતાઓએ લાભ લીધો હતો. આ વખતે અભૂતપૂર્વ જનમેદનીને ધ્યાનમાં રાખીને ત્રણ ગણા મોટા ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કથાના આમંત્રણ માટે આયોજકોની ટીમે પરિવાર સાથે સાળંગપુર ધામ મુકામે પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વચન મેળવી, કષ્ટભંજનદેવ મહારાજના ચરણોમાં કથાનું શ્રીફળ અર્પણ કરી ધજા ચડાવી હતી.
કથાના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથી યાત્રા અને કથા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. ’સર્વ રાજકોટ કહે છે કે આ મારી કથા છે’ના સૂત્રને સાર્થક કરતા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિની ટીમે નાત-જાત કે ઉચ-નીચના ભેદભાવ વગર રાજકોટના જન જનને આ કથામાં પધારવા સ્નેહ સાથે ભાવપૂર્ણ આમંત્રણ પાઠવ્યું છે.



