હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વ ભારતના 7 રાજ્યોના 160થી વધુ કારીગરોની વિવિધ હસ્તકલાનું નિદર્શન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિભાવનાને ઉજાગર કરતા શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક સમા માધવપુર ધેડના મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. માધવપુર લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન, માધવપુર બીચ સ્પોર્ટ્સ,હસ્તકલા હાટ પ્રદર્શન સહિતના આકર્ષણો લોકોને આકર્ષિત કરશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, માધવપુર, પોરબંદર ખાતે તા. 06 એપ્રિલ,2025 થી 10 એપ્રિલ, 2025 સુધી પૂર્વ અને પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિ, કલા અને વારસાનો અનોખો સંગમ યોજાઇ રહ્યો છે. મેળા પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ સમન્વયના પ્રતિક સ્વરૂપે ભવ્ય હસ્તકલા હાટનું આયોજન કરવામાં આવ્યું છે. હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વ ભારતના 9 રાજ્યોના 160થી વધુ કારીગરો ઉપરાંત ગુજરાતના 40 થી વધુ કારીગરોની વિવિધ હસ્તકલાનું સ્ટોલ્સના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યુ હતું. ભારતનાં ઉત્તર પૂર્વીય રાજ્યોના મહેમાનો, મુલાકાતીઓ, બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ હસ્તકલા હાટના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ઉત્તર પૂર્વીય ભારતના મણિપુર, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ સહિતના નવ રાજ્યોની કાપડ વણાટ કલા, હેન્ડમેડ જ્વેલરી કલા, બામ્બૂમાંથી બનાવેલ વિવિધ ચીજવસ્તુઓ સહિતની હસ્તકલાએ મુલાકાતીઓના મનને મોહિત કરીને આકર્ષિત કર્યા હતા. માધવપુર,પોરબંદરની પવિત્ર ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહના પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મેળામાં વિવિધ આકર્ષણો અને ભારતના પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ રાજ્ય એવું ગુજરાત જેની ધરા પર ખરેખર બે ભિન્ન સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે.