પગાર ચુકવવાના પણ ફાંફા
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયેલ સામે જંગે ચઢેલા પેલેસ્ટાઈનના કટ્ટરવાદી સંગઠન હમાસ હવે કંગાળીના રસ્તે આગળ વધી રહ્યુ છે. હમાસ પાસે પોતાના લડાકુઓને પગાર આપવાના પણ પૈસ નથી. જેનાથી ગાઝાની વસતીનો એક મોટો હિસ્સો પ્રભાવિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હમાસ સામે લોકો બળાપો પણ કાઢી રહ્યા છે. કેટલાક લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે, હમાસ પોતાના લક્ષ્યથી ભટકીને હવે ભ્રષ્ટાચારના કળણમાં ફસાયુ છે.
- Advertisement -
બીજી તરફ હમાસે કહ્યુ છે કે, કતાર પાસેથી પૈસા નહી મળી રહ્યા હોવાથી અમે કર્મચારીઓને પગાર આપવામાં અસમર્થ છે. કતાર દર મહિને હમાસને મોટા પાયે ડોનેશન આપે છે. હમાસ દ્વારા ગાઝા પટ્ટીમાં રહેતા લોકો પાસેથી ટેક્સ પણ વસુલ કરવામાં આવે છે. બીજી ઈસ્લામિક દેશો પણ હમાસને મદદ કરે છે. જોકે હમાસને મળતા ટેક્સમાં ઘટાડો થયો છે.
ગાઝા પટ્ટીમાં રહેતા 23 લાખ પૈકીના મોટા ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે. ગાઝાની અર્થવ્યવસ્થા વિદેશી સહાય પર આધાર રાખે છે. કતાર હાલમાં હમાસ માટે પગાર, વીજળી માટે ફ્યુલ, જાહેર સેવાઓ માટે કાર્યરત કર્મચારીઓના પગાર માટે દર મહિને 30 મિલિયન ડોલર ચુકવે છે. હમાસના કહેવા અનુસાર મે મહિનામાં અમને 5 લાખ ડોલરનુ ડોનેશન મળ્યુ હતુ અને એ પછી અમને બીજી કોઈ સહાય મળી નથી.
હમાસના મિનિસ્ટર અવની અલ પાશાએ કહ્યુ હતુ કે, સરકાર એક ઘેરા નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. દર મહિને ખાધ વધી રહી છે અને તેના કારણે પગાર ચુકવવામાં મોડુ થઈ રહ્યુ છે.અમને આશા છે કે, આ સપ્તાહના અંત સુધીમાં પગાર ચુકવાઈ જશે.