ડ્રોન સર્વેલન્સ બાદ બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગની કાર્યવાહી
પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર અને ત્રણ સેની કંપનીના એક્ઝિવેટર મશીનના માલિકો વિરુદ્ધ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ચાડધ્રા ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ગઈકાલે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્રાહ્મણી નદીના પટ્ટમાં લીઝ મેળવ્યા વગર થઈ રહેલી રેતીની ખનીજ ચોરી મામલે કડક કામગીરી કરી પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર અને ત્રણ સેની કંપનીના એક્ઝિવેટર મશીનના માલિકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ખનીજચોરો દ્વારા લાંબા સમયથી રેતીની બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવા અંગે ગામના જ જાગૃત નાગરિક જગાભાઈ ગઢવી દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હોય આ મામલે તપાસ બાદ ગઈકાલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર અને તેમની ટિમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવતા બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી મોટા પ્રમાણમાં રેતીની ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને ત્રણ સેની કંપનીના એક્ઝિવેટર મશીન કબ્જે કરી 2,11,482 મેટ્રીક ટન સાદી રેતીનું ખનન થયું હોવાનું જણાતા ડ્રોન સર્વેલન્સ બાદ પ્રતિ ટન રેતીના રૂપિયા 240 લેખે એમ કુલ રૂપિયા 7,15,65,547 ની ખનીજચોરી ઝડપી પાડી હતી. ખાણ ખનીજ વિભાગના આ દરોડામાં પકડાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં આઇપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ રુલ 2017 ની જુદી જુદી કલમો મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.