ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીએથી બેઠકમાં હાજરી આપીને હળવદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ મોરબી હાઈવે પર અજંતા કલોક ઈન્ડસ્ટ્રીઝ પાસે તેમની સ્કોર્પીયો કાર કોઈ કારણોસર બેકાબુ બની જતા નાલામાં ખાબકી હતી જોકે આ ઘટનામાં ચીફ ઓફીસર સહિતના ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. હળવદ નગરપાલિકાના ચીફ ઓફીસર પાંચાભાઈ માળી અને એન્જીનીયર ભૌતિકભાઈ કૈલા સહિતના ત્રણ લોકો હળવદ નગરપાલિકાની ૠઉં 36 ૠ 0376 નંબરની સ્કોર્પીયો કારમાં રાજકોટ પ્રાદેશિક કમિશ્નર સાથેની મીટીંગ પતાવી હળવદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ મોરબી હાઈવે પર અજંતા કલોક ઈન્ડસ્ટ્રીઝ નજીક કાર બેકાબુ બની ગઈ હતી અને કોઈ કારણોસર પુલની નીચે ખાબકીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બાદ ચીફ ઓફિસર સહિતના ત્રણ વ્યક્તિઓ સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા ત્રણેયનો ચમત્કારિક બચાવ થયો હતો.
બે દિવસ પહેલા જ કારનો વીમો પૂર્ણ થઈ ગયો હતો!
આ સ્કોર્પીયો કારનો તા. 22 જૂન 2021 ના રોજ એક વર્ષનો વીમો ઉતારવામાં આવ્યો હતો જે ઈન્સ્યોરન્સ ગત તા. 21 જુન 2022ના રોજ પૂર્ણ થઈ ગયો છે જેથી હવે આ કારનો તમામ મેન્ટેનન્સ ખર્ચ પાલિકાની તિજોરીમાંથી ચૂકવવો પડશે અને કારને થયેલ નુકશાન હળવદ પાલિકાની પ્રજાને ભોગવવાનો વારો આવશે. સામાન્ય લોકોનો વાહન વીમો ન હોય તો પોલીસ હજારો રૂપિયાના દંડ ફટકારે છે ત્યારે હવે ચીફ ઓફિસરની કારમાં વીમો પૂર્ણ થયો છે તો શું પોલીસ તેને દંડ ફટકારશે કે નહીં તે જોવું રહ્યું.