દિન દહાડે મહિલાના હાથમાંથી મોબાઈલ સાથે પર્સની ચીલઝડપ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં છેલ્લા નવેક દિવસોથી ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ સહિતનાં ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે અને લુખ્ખા તત્વો તથા તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ દિન દહાડે તસ્કરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ગઈકાલે ગુરુવારે ખરીદી કરવા બજારમાં ગયેલ મહિલાના હાથમાંથી બે લૂંટારુઓએ મોબાઈલ અને રોકડ ભરેલ પર્સની ચીલઝડપ કરતા ચકચાર મચી જવા પામી છે.
- Advertisement -
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ગઈકાલે ગુરૂવારે સાંજના પાંચેક વાગ્યાના સમયે હળવદના સરા રોડ ઉપર આવેલ તુલસી પ્રોવિઝન સ્ટોરની સામે સુપર માર્કેટમાં ખરીદી કરવા ગયેલ રૂચિકાબેન પટેલ ખરીદી પતાવી પોતાની કારમાં બેસવા જતા હતા તે દરમિયાન હેલ્મેટ પહેરી બાઈક ઉપર આવેલ બે લૂંટારુઓ રૂચિકાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવીને નાસી છુટયા હતા.
આ ઉપરાંત મહિલાએ ગળામાં પહેરેલો સોનાનો ચેન આચકવા પણ લૂંટારુઓએ પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રયાસ નિષ્ફળ જતાં ચેન બચી ગયો હતો. મહિલાના જણાવ્યા મુજબ પર્સમાં 21 હજારની કિંમતનો મોબાઈલ, 10 હજાર રોકડા, આધારકાર્ડ અને એટીએમ સહિતનો મુદામાલ હતો.