પોલીસના ગેરવર્તનની ઓછી અરજીઓ અને પ્રજાલક્ષી સુવિધાઓના આધારે રેન્ક અપાયો; પીઆઇ આર.ટી. વ્યાસને ડીજીપીના હસ્તે પ્રશંસાપત્ર એનાયત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અપનાવવામાં આવેલી નવી ‘રેન્કિંગ પ્રક્રિયા’માં મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશને ફર્સ્ટ રેન્ક મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
અગાઉ પોલીસ સ્ટેશનનું રેન્કિંગ માત્ર ગુનાના આંકડા પરથી નક્કી થતું હતું, પરંતુ હવે નવા પેરામીટર્સ મુજબ રેન્ક નક્કી કરવામાં આવ્યા છે. આ નવા માપદંડમાં પોલીસ સ્ટેશનથી પ્રજાને થયેલા લાભ અને મળેલી સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ પોલીસ સ્ટેશન કે તેના સ્ટાફ વિરુદ્ધ થયેલી અરજીઓની સંખ્યાને પણ ધ્યાને લેવામાં આવી હતી.
નવા માપદંડ નાગરિકોને પોલીસ સ્ટેશન કે ત્યાંના પોલીસ કર્મચારીઓ તરફથી લાભ થાય તેવી બાબતોને કેન્દ્રમાં રાખે છે, જેમ કે:
અરજીઓનું ઝડપી નિવારણ.
‘શી’ ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાત.
પોલીસ સામે ગેરવર્તનની અરજીઓની નહિવત્ સંખ્યા.
લોકોપયોગી કાર્યક્રમોનો અમલ (જેવા કે, ‘ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ તથા ‘તેરા તુજકો અર્પણ’).
આ પ્રજાલક્ષી અને ઉત્કૃષ્ટ કામગીરીને કારણે હળવદ પોલીસ સ્ટેશનને રાજ્યના 40 જેટલા ફર્સ્ટ રેન્ક જાહેર થયેલા પોલીસ સ્ટેશનોમાં સ્થાન મળ્યું હતું.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર. ટી. વ્યાસને પ્રશંસાપત્ર (સન્માન પત્ર) એનાયત કરવામાં આવ્યું હતું. આ નવી સિસ્ટમ પાછળનો હેતુ પોલીસ અને પ્રજા વચ્ચેનો મજબૂત સેતુ બનાવવાનો અને પ્રજાના કામો પોલીસ સ્ટેશનમાં આસાનીથી થઈ શકે તે સુનિશ્ચિત કરવાનો છે. સૌરાષ્ટ્ર રેન્જના કુલ ત્રણ રેન્કના એક ડઝન પોલીસ મથકોને શ્રેષ્ઠ રેન્ક આપવામાં આવ્યો છે.