સ્વર્ણિમ યોજના હેઠળ બનેલા બગીચામાં સાધનોની ચોરી અને અસામાજિક તત્વોનો જમાવડો: શહેરીજનોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
- Advertisement -
હળવદ નગરપાલિકા દ્વારા વૈજનાથ ચોકડી પાસે લોકોની સુવિધાર્થે લાખોના ખર્ચે નિર્મિત અટલ બિહારી સિનિયર સિટીઝન પાર્ક આજે તંત્રની ઘોર બેદરકારીને કારણે બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. શાસકોની નિષ્ક્રિયતાને લીધે વડીલો માટેનું આ વિસામાનું સ્થળ હવે ભયજનક અડ્ડો બની ગયું છે.
સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે ₹54 લાખના ખર્ચે આ આધુનિક પાર્ક તૈયાર કરાયો હતો. જેમાં રમતગમતના સાધનો, પાણીના ફુવારા અને બેસવા માટે બાંકડાની સુંદર વ્યવસ્થા હતી. જોકે, હાલ અહીં નથી રમતગમતના સાધનો સલામત કે નથી બાંકડા. ફુવારા અને શૌચાલય બંધ હાલતમાં છે, જ્યારે બગીચામાં સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
રાત્રિના સમયે પાર્કમાં અંધારપટ હોવાનો લાભ ઉઠાવી અસામાજિક તત્વોએ અહીં ડેરો જમાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં કેફી દ્રવ્યો અને દારૂનું સેવન તેમજ તોડફોડ જેવી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ચોરીની ઘટનાઓ પણ સામાન્ય બની છે. નગરપાલિકાના મૌન સામે સવાલો ઉઠાવતા શહેરીજનોએ તાત્કાલિક રીનોવેશન કરી પાર્કને ફરી ઉપયોગી બનાવવાની માંગ કરી છે.



