ચોમાસાની મોસમ શરૂ થાય તે પહેલાં વરસાદને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા અને એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેની અમલવારીમાં તંત્ર હંમેશાં પાંગળુ સાબિત થયું છે. તો શું આ વર્ષે પણ ચોમાસામાં દર વર્ષ જેવી સ્થિતિ સર્જાશે? તેવા પ્રશ્ર્નો પ્રજાના મનમાં ઊઠી રહ્યા છે.
રાજકોટ શહેરમાં ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરીની સરપ્રાઇઝ વિઝીટ કરવાનો ઈરાદો હોય તેમ મેઘરાજાએ ગત સાંજે એકાએક મેઘરાજાનું આગમન થયું હતું અને 15 મિનિટમાં અડધો ઈંચ વરસાદ વરસતા મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, ભારે પવન પણ ફંકાતા શહેરમાં બે સ્થળે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયા હતા. વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન વરસાદ દરમ્યાન ગઇકાલે ચાર મીમીથી 13 મીમી સુધી વરસાદ નોંધાયો છહતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ચાર મીમી અને ઇસ્ટ ઝોનમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. દરમ્યાન શહેરમાં જિલ્લા ગાર્ડન રોડ ઉપર બાપુનગર શેરી નં.11 અને મનહર સોસાયટી -1, થોરાળા દ્વારા પોલીસ ચોકી સામે પડી ગયેલા વૃક્ષો મનપા દ્વારા તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા.