ધારાસભ્યને રેલી અથવા કોઈ કાર્યક્રમ સિવાય ક્યાંય જોયા છે ? : લોકોની ફેસબુક કોમેન્ટ્સમાં વેદના
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ તેને હવે એક વર્ષ પૂર્ણ થવાના આરે છે અને ધારાસભ્યો બન્યા તેને પણ હવે 8-9 મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે હળવદને નવા ધારાસભ્ય મળ્યા છતાં પ્રજાની સમસ્યામાં કોઈપણ જાતનો સુધારો થયો નથી. હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓથી પણ લોકો થાકી ચૂક્યા છે તેમજ આવી વિવિધ સમસ્યાઓથી લોકો કંટાળી ચૂક્યા છે ત્યારે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા માત્ર રાજકીય ફોટા પડાવવા અથવા તો સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી માત્ર ફોટા પડાવવા જતા હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા વાયરલ થઈ હતી.
- Advertisement -
ત્યારબાદ ફરી એક વખત ’ધારાસભ્ય હાલીને રોડ ઉપર નીકળે તો તેને ખબર પડે કેવી પરિસ્થિતિ છે, નહીં તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહો તેમજ ધારાસભ્યને રેલી અથવા તો કોઈ કાર્યક્રમ સિવાય ક્યાંય જોયા છે ?’ આવી વિવિધ કોમેન્ટ્સ દ્વારા લોકો ધારાસભ્ય સામે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે પરંતુ એ પણ જોવું રહ્યું કે, ધારાસભ્ય ક્યારે જાગશે અને હળવદવાસીઓની ચિંતા કરશે કે પછી માત્ર ફોટો પડાવવામાંથી જ નવરા નહીં થતા હોય એ પણ એક સવાલ છે !