સગાઈ થયા બાદ ભાવિ પતિએ શરીર સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની, બાળકીને જન્મ આપ્યો
સગીરાના પિતાએ પોતાના થનાર જમાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં એક નરાધમે સગાઈ થયા બાદ 13 વર્ષની સગીરા એટલે કે તેની ભાવિ પત્નીને વારંવાર હવસનો શિકાર બનાવતા આ સગીરા કુંવારી માતા બની જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સગીરાના પિતાએ ભાવિ જમાઈ સામે દુષ્કર્મની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પંથકમાં રહેતી એક 13 વર્ષની કિશોરી કુંવારી માતા બનતા ચકચાર મચી ગઈ છે. આ કિશોરીની સામાજિક રીતરીવાજ મુજબ એક યુવક સાથે સગાઈ થઈ હતી. આ બંને પક્ષની સામસામી સગાઈ થઈ હતી એટલે આરોપીની બહેનની કિશોરીના ભાઈ સાથે સગાઈ થઈ હતી જેમાં ગત તા. 20 ડિસેમ્બર 2022 થી 2023 દરમિયાન ફરિયાદીની પુત્રી સાથે આરોપીની સગાઈ થઈ હોય આરોપી અવારનવાર ફરિયાદીના ઘરે આવતો હોય અને ફરિયાદીના ઘરે જ વારંવાર કિશોરીને હવસનો શિકાર બનાવતા કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી. ગત તા. 15 સપ્ટેમ્બરના રોજ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનોને પોતાની પુત્રી નાની વયે ગર્ભવતી બની હોવાની ખબર પડી હતી જેથી તાકીદે સગીરાને હળવદ બાદ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડતા ત્યાં હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપતા કિશોરીના પિતાએ પોતાના ભાવિ જમાઈ ગોપાલ લીલાભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.