ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એ જલારામબાપા મુદ્દે ટિપ્પણી કરતા વિવાદમાં આવ્યા હતા. વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગતો વિડિઓ સોશ્ર્યલ મીડિયામાં જાહેર કરીને માફી માંગી હતી. પરંતુ સ્વામી જ્ઞાનપ્રકાશના વિરોધમાં વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે યાત્રાધામ વીરપુરના ગ્રામજનો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, સંસ્થાઓની એક બેઠક પણ મળી હતી, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે તેવી માંગ સમગ્ર ગુજરાતભરમાંથી તેમજ વીરપુરના ગ્રામજનો, લાખો ભક્તો અને રઘુવંશી સમાજે ઉગ્ર માંગ કરી હતી. ત્યારે ગઈકાલે બપોરના 4:30 વાગ્યાની આસપાસ સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામ બાપાના મંદિરે આવી માફી માંગી હતી. સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લવાયા હતા અને બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમા સ્વામીને મંદિરની પાછળના દરવાજામાંથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં વીરપુર મંદિરના ગાદીપતિ રઘુબાપાના લઘુબંધુ અને જલારામ બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણીએ સાથે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યામાં શીશ જુકાવીને માફી માંગી હતી. વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્વારા લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાના મંદિરની માફી પણ માંગી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામી માત્ર દસ મિનિટ જેટલો સમયજ વીરપુર જલારામ મંદિરમાં રોકાયા અને મંદિરના પાછળ દરવાજે થી જ્ઞાન પ્રકાશ સ્વામીને પોલીસના ચૂસ્ત બંધોબસ્ત વચ્ચે નંબર પ્લેટ વગરની અને આખી બ્લેક સ્કોર્પિયો કારમા વીરપુરથી પરત લઈ જવામાં આવ્યા હતા. જ્ઞાન પ્રકાશ સ્વામી જ્યારે જલારામ મંદીરની બહાર આવ્યા ત્યારે મીડિયાથી અંતર રાખી કંઈપણ બોલ્યાં વગર જ ચાલતી પકડી હતી.
- Advertisement -
સંતો માટે અલગ કાયદો?
કાળા કાચવાળી સ્કોર્પિયોમાં જ્ઞાનપ્રકાશને લવાતા પોલીસ સામે પ્રશ્ર્નો ઊભા થયા
સ્વામી જ્ઞાનપ્રકાશને પોતાની ભૂલનું જ્ઞાન થતા માફી માંગવા માટે જલારામ મંદિર વીરપુર ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે જલારામ પરંતુ અહીં એક મોટો પ્રશ્ર્ન એ છે કે તેઓ જે ગાડીમાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે ટ્રાફિક નિયમો વિરુદ્ધ હતી. ગાડીના કાચ ગેરકાયદેસર કાળા હતા અને નંબર પ્લેટ પણ નહોતી, જે સીધો-સીધો કાયદાનો ભંગ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમોને ખૂબ કડક બનાવવામાં આવ્યા છે. આરટીઓ (છઝઘ) અને પોલીસ સતત ટ્રાફિક નિયમોના કડક અમલ માટે કામ કરી રહી છે. જો સામાન્ય નાગરિકના વાહનમાં ગેરકાયદેસર કાળા કાચ હોય અથવા નંબર પ્લેટ ન હોય, તો તરત જ દંડ થાય છે. પરંતુ, અહીં સંતો માટે કાયદો એકદમ અલગ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સ્વામી જ્ઞાનપ્રકાશ જે વાહનથી આવ્યા હતા, તેમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ગુજરાત સરકાર અને પોલીસ આવા કિસ્સાઓમાં શું કરી રહી છે? જો સંતો અને ધર્મગુરુઓને આ પ્રકારના નિયમભંગ માટે મુક્તિ મળે, તો શું ભારતના બંધારણમાં ઘડાયેલો કાયદો ફક્ત સામાન્ય નાગરિક માટે જ છે કે કેમ? તે અંગે સવાલો ઉઠવા પામી રહ્યા છે.