ગિરનાર પર્વત પર ગોરખનાથ ટૂંક પર જઘન્ય કૃત્ય મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ગિરનાર પર્વત પર સ્થિત શ્રી ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાના કેસમાં પકડાયેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવવા માટે ગોરખનાથ ટૂંક ખાતે લઈ ગઈ હતી.
ગઈ તા. 5મી ઓક્ટોબરે આ પવિત્ર મંદિરમાં 30 થી 40 વર્ષની ઉંમરના 4 શખ્સોએ પૂજારી સૂતા હતા તે રૂમનો દરવાજો બહારથી બંધ કરીને આ કૃત્ય આચર્યું હતું. આરોપીઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઈરાદે શ્રી ગુરુ ગોરક્ષનાથની મૂર્તિનો શિરચ્છેદ કરી મૂર્તિને ઉખાડીને ખીણમાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં મૂર્તિના રૂ. 50,000 અને આસપાસના કાચના રૂ. 20,000 મળીને કુલર. 70,000ની નુકસાની થઈ હતી. એલસીબી પીઆઈ કે. એમ. પટેલની ટીમે સોમવારે કિશોર શિવનદાસ કૂકરેજા (મંદિરનો પગારદાર સેવક) અને રમેશ હરગોવિંદભાઈ ભટ્ટ (ફોટોગ્રાફર) બંને આરોપીઓની ધરપકડ કરી હતી મંગળવારે, ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવીને કાચ તોડવા માટે ઉપયોગમાં લેવાયેલ લોખંડની સ્ટીક કબજે લીધી હતી અને અન્ય સંડોવણી અંગે પૂછપરછ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે, આજે સવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંને આરોપીઓને 6000 પગથિયે આવેલ ગોરક્ષનાથ મંદિરે લઈ ગઈ હતી. અહીં, તેમની હાજરીમાં આખીય ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, તેનું સમગ્ર રિ-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ રિ-ક્ધસ્ટ્રક્શનથી તપાસ અધિકારીઓને ગુનાની વિગતો અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગેની માહિતી મેળવવામાં મદદ મળશે.