હું નવા થોરાળાનો ગૌરવ ડોન છું, બધી પોલીસ મારા હાથમાં છે, આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું કહીં નશામાં ધૂત શખ્સે કબાટ અને ખુરશીમાં માથા ભટકાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હવે બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. હું નવા થોરાળાનો ગૌરવ ડોન છું, બધી પોલીસ મારા હાથમાં છે, આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું કહીં નશામાં ધૂત શખ્સે કબાટ અને ખુરશીમાં માથા ભટકાવ્યા તેમજ પીસીઆર ઈન્ચાર્જનો કાઠલો પકડી લીધો હતો. બનાવની જાણ થતાં મોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીની અટક કરી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવ અંગે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ખીમસૂરીયા (રહે. નવા થોરાળા) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ભકતીનગર પોલીસ સ્ટેશનની ગુંદાવાડી પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સાતેક મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ ગુંદાવાડી પોલીસ ચોકીએ ફરજ ઉપર હાજર હતાં ત્યારે એક વ્યકતી ચોકીની અંદર ઉશ્કેરાટમાં ગાળા ગાળી કરતો આવેલ અને કહેલ કે, હું નવા થોરાળાનો ડોન છું, મારૂ નામ ગૌરવ છે અને બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી ઓળખતા નથી, બાકીની પોલીસ ક્યા છે, હું આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું, તેમ અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવા લાગેલ જેથી તેને ચોકીની બહાર જતા રહેવાનુ કહેતા કહેલ કે, આજ તો ચોકીની બહાર નીકળો છરીના ઘોદા મારી પતાવી દેવાનો છું. તેમજ તેને ચોકીની બહાર જતા રહેવાનુ કહેલ જેથી તે વધુ ઉશ્કેરાઈ જઈ ચોકીની અંદર રહેલા લોખંડના કબાટ અને ખુરશી સાથે જોર જોરથી માથા તેમજ પોતાના શરીર વડે આગળના અને પાછળના ભાગેથી ભટકાડી કહેવા લાગેલ કે, હું હમણા બધાને ફીટ કરાવી દઉ છું અને બધાને છરીના ઘોદા મારી દઉં છું, કહીં પોતાની જાતે પોતાને બટકા ભરવા લાગેલ પોતાના માથાના વાળ ખેંચવા લાગેલ અને દીવાલો સાથે માથુ તથા પીઠનો ભાગ પછાડવા લાગેલ હતો.
જેથી ફરિયાદીએ ચોકી ઇન્ચાર્જ પીએસઆઇ એ.જે.લાઠીયાને તેમજ પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ જે દરમ્યાન પીએસઆઇ પી.એસ.ગોહીલ, એ.જે.લાઠીયા ચોકીએ દોડી આવી ગયેલ અને આરોપીને ગાળાગાળી તેમજ ગેરવર્તન ન કરવા સમજાવેલ તેમ છતા તે ફરીથી ઉભો થઇ પોતાનુ માથુ કબાટ સાથે ભટકાડી ખુરશીઓને પાટા મારી ઘા કરી
દીધેલ હતી.ચોકીમાં રહેલુ કોમ્યુટર ઉપાડી ઘા કરવા જતો હતો જે દરમ્યાન પીસીઆર ઇન્ચાર્જ કોન્સ્ટેબલ વજુભાઇ ડાભી ચોકીની અંદર આવેલ અને તેઓને પોલીસવાનમાં બેસી જવાનુ સમજાવેલ ત્યારે આરોપીએ સરકારી ગાડીના ઇન્ચાર્જને પણ સામે થઇ ગયેલ અને યુનીફોર્મનો કોલર પકડી ગાળાગાળી કરવા લાગેલ હતો.તે શખ્સને પી.સી.આર.માં બેસાડેલ ત્યારે ત્યા તેની પત્નીને જોર જોરથી બુમ પાડીને બોલાવેલ અને કહેલ કે, જા તું દવા પી જા અને આ બધી પોલીસના નામ લખાવી દેજે તેમ કહેતો હતો.
બાદમાં આરોપીને એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવવામાં આવેલ હતો.વધુમાં બનાવ અંગે તપાસ કરતાં પીએસઆઇ ડી. વાય. મહંતે જણાવ્યું હતું કે, આરોપી તેની પુત્રીને લઈ સારવાર કરાવવા માટે પદ્મકુંવરબા હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યારે તે નશાની હાલતમાં હોસ્પિટલની બહાર નીકળતો હતો.