રાજકોટથી માત્ર 35 કિમી દૂર અમદાવાદ હાઈ-વે પર 4 કિલોમીટરની લંબાઈ ધરાવતા બ્રિજનું નિર્માણ થશે
53 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ હીરાસર એરપોર્ટની નવી ઓળખ બનશે
- Advertisement -
ઓવર અને અંડર બંને પાસ હશે, જેથી ટ્રાફિકનું એક પણ મર્જ ન થાય અને અકસ્માત પર અંકુશ આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટ્રમ્પેટ સેટ બ્રિજ એટલે બ્યૂગલ પ્રકારનો બ્રિજ કહેવામાં આવે છે. જે બ્રિજ પરથી અલગ અલગ રસ્તાઓના ફાટા પડે છે. જે બ્રિજ લોકોને ખૂબ જ ઉપયોગી બને છે. આ બ્રિજ ઇજનેરી ક્ષેત્રનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. રાજકોટથી માત્ર 35 કિમી દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુંદરતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે ગુજરાતનો સૌપ્રથમ ’ટ્રમ્પેટ સેટ બ્રિજ’ આકાર લઈ રહ્યો છે. 52 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી મે 2025માં શરૂ થઈ હતી અને એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ બ્રિજની ડિઝાઈન ટ્રમ્પેટ સેટ જેવી અનોખી છે, જેમાં ઓવર અને અંડર બંને પાસ હશે, જેથી ટ્રાફિકનું એક પણ મર્જ ન થતા અકસ્માત પર અંકુશ આવી જશે
નેશનલ હાઈ-વેના એન્જિનિયર કલ્પેશ વીરડિયાએ જણાવ્યું હતું કે, કુલ 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ એરપોર્ટથી રાજકોટ, અમદાવાદ, મોરબી અને જીવાપર તરફના રસ્તાઓને અલગ-અલગ ડાયવર્ઝન આપીને સરળ બનાવશે.
આ બ્રિજ માત્ર સિમેન્ટ-કપચીથી નહીં, પણ તેની આસપાસ ગાર્ડનિંગ અને ટર્ફિંગ પણ કરવામાં આવનાર હોવાથી તે રાજકોટના પ્રવેશદ્વાર પર એક નવી ઓળખ બનીને આકર્ષણનું કેન્દ્ર બનશે. બ્રિજનો એક ભાગ રાજકોટથી સીધો એરપોર્ટ તરફ જશે અને આવશે તો બીજો ભાગ એરપોર્ટથી અમદાવાદ તરફ, મોરબી તરફ અને જીવાપર તરફ જવા માટે પણ જુદા-જુદા રસ્તાઓ નિકળશે. આ બ્રિજ તૈયાર થઈ ગયા બાદ કોઈપણ મુસાફર રોડ પરથી રાજકોટ આવે કે કોઈ વિદેશી ફ્લાઈટમાં રાજકોટ આવશે તો આ બ્રિજ જોઈને આકર્ષિત થશે. જે એક નવી ઓળખ બનીને રહેશે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં ઓવર અને અંડર બંને પાસ હશે. જેના કારણે ટ્રાફિકથી છૂટકારો મળશે તેમજ અકસ્માતનો ખતરો પણ ઘટી જશે.
- Advertisement -
બ્રિજ પર ગાર્ડનિંગ અને ટર્ફિંગ પણ કરવામાં આવશે
રાજકોટના પ્રવેશદ્વાર પર આકાર લઈ રહેલા અદભૂત ટ્રમ્પેટ સેટ બ્રિજ માત્ર સિમેન્ટ-કપચીથી જ નહીં બને, પરંતુ આ બ્રિજ પર ગાર્ડનિંગ અને ટર્ફિંગ પણ કરવામાં આવશે. બ્રિજની આસપાસની લીલોતરી તેના દેખાવમાં ચાર-ચાંદ લગાવી દેશે. આ સાથે જ બાકી રહેલા થોડા કામ અંગે પોલીસની પરવાનગી લઈ બ્લાસ્ટીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
કઈ રીતે ફાયદો થશે
રાજકોટ-અમદાવાદનો રસ્તો યથાવત રહેશે
રાજકોટથી એરપોર્ટ જવું હોય તો ડાબી તરફથી નીકળી ફ્લાય ઓવરબ્રિજ પરથી જવાશે
એરપોર્ટથી અમદાવાદ જવું હોય તો તે જ ફ્લાય ઓવર પરથી મોરબીથી બહાર નિકળી શકાશે
અમદાવાદ કે મોરબીથી રાજકોટ એરપોર્ટ જવું હોય તો તેનો સર્વિસ રોડ બામણબોર જંક્શનથી છુટ્ટો પડશે
એરપોર્ટથી રાજકોટ શહેરમાં આવવું હોય તો બેટીના પૂલ પાસેથી કનેક્ટિવિટી મળશે
આ રીતે એક પણ ટ્રાફિક મર્જ ન થતા અકસ્માતના પ્રશ્ર્નો ઝીરો થઈ જશે.



