38 દિવસનું સત્ર : 27 સીટીંગ થશે; 9 સરકારી વિધેયક રજૂ કરાશે
વિધાનસભાના બજેટસત્રને સંબોધન : કાલે નાણામંત્રી રાજયનું બજેટ રજૂ કરશે : વિવિધ મુદાઓ પર સરકારનો ‘જવાબ’ માંગવા કોંગ્રેસ પણ સજજ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજયના આનંદ વચ્ચે આજથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં આવતીકાલે રજૂ થનારા બજેટ પુર્વે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના વિકાસની રૂપરેખા દોરી છે અને વિકસીત ભારતમાં ગુજરાતના યોગદાન અંગે સવિસ્તાર માહિતી આપી હતી. આવતીકાલે રજુ થનારુ બજેટ એ અત્યાર સુધીનું સૌથી મોટું 3.72 લાખ કરોડનું હશે તેવા સંકેત છે. 38 દિવસ ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે જેમાં બજેટ ચર્ચા રાજયપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ અને 9 સરકારી વિધેયકો રજુ થશે.
વિધાનસભામાં 161ના સંખ્યાબંધ સાથે મજબૂત બનેલા ભાજપને હવે વિપક્ષની બહુ ચિંતા નથી છતાં કોંગ્રેસ પક્ષ તેની હાજરી બતાવવા અનેક મુદાઓ પર સરકારને ભીડવે તેવી ધારણા છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં ગુજરાતનો આર્થિક વિકાસ દેશમાં સૌથી ઝડપી રહ્યો હોવાનું દર્શાવીને સરકારે જે રીતે આધુનિક ખેતી તથા સર્વાંગી રીતે કૃષી ક્ષેત્રના વિકાસ અંગે જે કામગીરી કરી છે તેના પર સરકારની પીઠ થાબડી હતી. આજે રાજયપાલના સંબોધન બાદ હાલમાં જ દિવંગત થયેલા કડીના ધારાસભ્યને શોકાંજલી આપીને ગૃહ મુલત્વી રહેશે. કાલે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમનું 2025/26ના વર્ષનું બજેટ રજુ કરશે.
આ વખતે રાજય વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી અર્થાત 38 દિવસ સુધી ચાલશે. જો કે, તેમાં 12 દિવસ રજા રહેશે. એટલે કે, ગૃહની 26 બેઠકો મળશે અને તેમાં 27મી ફેબ્રુઆરીએ ડબલ બેઠક મળશે. અર્થાત આ સત્રમાં કુલ 27 બેઠક મળશે. જેમાં 3 દિવસ સુધી રાજયપાલ દ્વારા ગૃહને કરાયેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. 4 દિવસ સુધી રાજય સરકારના બજેટ પર સામાન્ય ચર્ચા થશે. 12 દિવસ સુધી સરકારના વિવિધ વિભાગોના બજેટ (વિભાગીય માંગણી) પરની ચર્ચા હાથ ધરાશે. 27મી માર્ચે વિનિયોગ વિધેયક પસાર થવાની સાથે જ રાજય સરકારને 1લી એપ્રિલથી નવા બજેટ મુજબનો ખર્ચ કરવાની પરવાનગી મળી જશે. આ સત્ર દરમિયાન લગભગ 9 સરકારી વિધેયક રજુ થશે અને ચર્ચા બાદ તે વિધેયકો પસાર કરાવાશે.