સુપરહિટ વેકેશન બ્લોકબસ્ટર ટુરિઝમ
પ્રવાસીઓની ભીડ ઉમટતાં સ્થાનિક વેપારીઓને રોજગારીની મોટી તક : ટૂર્સ-ટ્રાવેલ્સ એજન્ટને કોરોનાકાળમાં થયેલી નુકસાનીની ભરપાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળાનું વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ધીરેધીરે ચોમાસાની સિઝન નજીક આવી રહી છે. આ દરમિયાન ગુજરાતીઓ રાજ્યથી લઈ પૂરા રાષ્ટ્રમાં ફરવા ઉમટી પડ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરને કારણે ઘરમાંને ઘરમાં પુરાઈને રહી ગયેલા લોકો હવે કોરોનાનો કહેર ઓછો થતા હરીફરી લેવાના મૂડમાં છે. મેના મધ્યથી લઈ જૂનની શરૂઆત સુધી સ્થાનિક પ્રવાસન સ્થળો સહિત દેશ અને દુનિયાના ફરવાલાયક સ્થળો પર ગુજરાતી પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની ભીડ ઉમટી પડતા સ્થાનિક વેપારીઓ માટે રોજગારીની મોટી તક ઉભી થઈ છે. આ ઉપરાંત કોરોનાકાળમાં ટૂર્સ-ટ્રાવેલ્સ એજન્ટને થયેલી નુકસાનીની ભરપાઈ પણ આ વેકેશન દરમિયાન થઈ ગઈ છે. વર્તમાન સમયમાં સ્ટ્રેસ સાથેના જીવનમાં પ્રવાસનું મહત્વ વધી ગયું છે. બૌદ્ધિક મહેનત અને આર્થિક જોખમ ખેડીને સારું કમાઈ લેતો વર્ગ કુટુંબ માટે સમય નથી આપી શકતો, પણ વેકેશન માણવા દેશ કે વિદેશ જરૂર જાય છે. ગત બે વર્ષ કોરોનાની લહેરો આવવાથી અનેક પ્રકારના પ્રતિબંધ અને સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોને કારણે ઘરે બંધાઈ ગયેલા ગુજરાતીઓ આ વર્ષે કોઈપણ ભોગે ક્યાંક તો ફરવા જવું જ એવું નક્કી કરી લીધું છે. ટ્રાવેલિંગ વ્યવસાયીઓને પૂછતા જાણવા મળ્યું કે, આ વર્ષે મેથી લઈ છેક જૂન સુધી રાજકોટ, કચ્છ, અમદાવાદ અને સુરતથી ભારતભરમાં જતી બધી ટ્રેન અને ફલાઇટ ફૂલ છે. અગાઉ પરંપરાગત ટુરિસ્ટ ડેસ્ટીનેશન માઉન્ટ આબુ, ગોવા, દીવ, દમણ કે ઉત્તર ભારતના કુલુ મનાલી અને મસૂરી હતા તેને બદલે હવે કાશ્મીર, ઉત્તરાંચલ, પૂર્વાંચલથી લઈ દક્ષિણમાં કર્ણાટક બાજુ ફરવા ઉમટ્યા છે. વિદેશમાં પણ દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર હોટ ફેવરિટ પ્લેસ છે. ટુંકમાં એમ કહી શકાય કે, બે વર્ષના વિરામ બાદ ગુજરાતીઓ આર્થિક અને શારીરિક રીતે સક્ષમ બનતા મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળી પડ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિર, દીવ અને આબુ હોટ ફેવરિટ ફરવાનાં સ્થળ
ઉનાળુ વેકેશન સાથે રાજ્યના પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દ્વારકા, અંબાજી, સોમનાથ, દીવ, દમણ, માઉન્ટ આબુ અને કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કચ્છમાં સફેદ રણમાં અને માંડવીનો બીચ, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર અને લખપત ખાતે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જોકે મોટાભાગના પ્રવાસીઓના ફરવાના હોટ ફેવરિટ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિર, દીવ અને આબુ છે. અહીં પ્રવાસીઓના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. માઉન્ટ આબુ અને દીવ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગિરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉનાળુ વેકેશન માણવા ગયા છે.
કોરોનાનું સંક્રમણ ઘટતાં કચ્છથી કાશ્મીર સુધી પ્રવાસીઓનો પ્રવાહ
- Advertisement -
ટ્રેનમાં લાબું વેઇટિંગ લિસ્ટ અને ફ્લાઈટનાં ભાડા ડબલ થયાં
ઉનાળુ વેકેશન શરૂને થઈ પૂરું થઈ જવા આવ્યું છે છતાં લાંબા અંતરની ટ્રેનોમાં ક્ધફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેક્ધડ એન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગલિસ્ટ જોઈને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ગરમીમાં ગુજરાતીઓ ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ કુલુમનાલી, શિમલા જતી ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ ઊંચું છે. તો ગોવા જવા પણ પ્રવાસીઓનો સારો ધસારો છે. પ્રવાસનની સાથે નાથદ્વારા, ઋષિકેશ જેવાં ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં પણ સારી એવી ભીડ છે. ખાસ કરીને ઉત્તરભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 300 સુધી પહોંચ્યુ છે. બીજીતરફ ફલાઈટની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લાંબા અને ટૂંકા બંને અંતરની ફ્લાઈટનાં ભાવોમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં મોટાભાગની ફલાઇટ ફૂલ જઈ રહી છે.
ધાર્મિક સ્થળો પણ ફરવાની પ્રથમ પસંદ બન્યા
દેશભરમાં રોડની સારી કનેક્ટિવિટીને કારણે લોકો માટે મુસાફરી કરવી સરળ બની છે. ચારધામ યાત્રા એક સમયે માત્ર ધાર્મિક ઉદ્દેશથી મોટી ઉંમરનાં લોકો નીકળતા. જ્યારે આજે યુવાઓ પણ જાય છે. આજકાલ નવદંપતી પણ ધાર્મિક સ્થળો તરફના પેકેજ પસંદ કરે છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, રૂદ્રપ્રયાગ વગેરે હવે ફરવાના સ્થળ જેવા રમણીય આકર્ષક બનતા માત્ર ધાર્મિક યાત્રા નથી રહી. વારાણસી, કાશીનું મંદિર લોકાર્પણ બાદ ગુજરાતીઓ આ પ્રકારના ધાર્મિક સ્થળો પર ફરવા જવાનું પસંદ રહ્યું છે.


