યુદ્ધની આગમાં સળગ્યો ગુજરાત ટુરિઝમ ઉદ્યોગ: ટુર ઓપરેટરોને કરોડોનું નુકસાન
મિડલ ઈસ્ટ તણાવથી દુબઈ-તૂર્કીયે ટુર બંધ, ફ્લાઈટ મોંઘી થઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના સીધા પ્રભાવ હવે ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં વધેલા તણાવને કારણે દુબઈ, તૂર્કીયે અને ઓમાન જેવા લોકપ્રિય વિદેશી પ્રવાસ સ્થળોના ટુર પેકેજો સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયા છે, જેના કારણે રાજ્યના ટુર ઓપરેટરોને અંદાજે રૂ.500 કરોડથી વધુનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ઉનાળાની રજાઓ દરમિયાન દુબઈ ગુજરાતી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બુકિંગ થવાની ધારણા હતી, પરંતુ યુદ્ધની પરિસ્થિતિએ તમામ ગણિત બદલી નાખ્યું છે. ટુર ઓપરેટરો દ્વારા અગાઉથી હોટલ અને રિસોર્ટમાં કરવામાં આવેલા એડવાન્સ પેમેન્ટ પણ હાલ અટવાઈ ગયા છે, જેના કારણે આર્થિક બોજો વધ્યો છે. ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ, ઈરાન તરફથી દુબઈ પર હુમલાની ભીતિને કારણે પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. પરિણામે દુબઈ, તૂર્કીયે અને ઓમાનના લગભગ તમામ બુકિંગ રદ થયા છે. હાલ પ્રવાસીઓ સિંગાપુર, બાલી, વિયેતનામ અને મલેશિયા જેવા વિકલ્પો તરફ વળ્યા છે. યુદ્ધના કારણે વૈશ્વિક એર ટ્રાફિક પર પણ અસર પડી છે. યુરોપ સહિત અન્ય દેશોની ફ્લાઈટ્સ મિડલ ઈસ્ટના એર રૂટ પરથી પસાર થતી હતી, પરંતુ હાલ એતિહાદ, કતાર અને એમિરેટ્સ જેવી એરલાઈન્સે તેમના શિડ્યુલમાં ફેરફાર કર્યા છે અને ફ્લાઈટોની સંખ્યા પણ ઘટાડી છે. જેના પરિણામે વિદેશ પ્રવાસ વધુ મોંઘો બન્યો છે. યુરોપ ટુર પેકેજનો ખર્ચ ₹3 લાખથી વધીને ₹3.25 લાખ સુધી પહોંચ્યો છે, જ્યારે સિંગાપુર ટુર ₹1.15 લાખથી વધીને ₹1.30 લાખ થયો છે. ઈંધણના વધતા ભાવોને કારણે સાઈટસીંગ ખર્ચમાં પણ વધારો નોંધાયો છે.
આ પરિસ્થિતિ વચ્ચે અનેક પ્રવાસીઓએ વિદેશ પ્રવાસના પ્લાન મુલતવી રાખ્યા છે, જેના કારણે ટુર એજન્સીઓમાં ઈન્ક્વાયરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ટુર ઓપરેટરો હાલ યુદ્ધની પરિસ્થિતિ શમવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જો તણાવ યથાવત રહેશે તો વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ઉનાળાની રજાઓ ટુર ઓપરેટરો માટે કમાણીની સિઝન ગણાય છે, પરંતુ આ વખતે ભયના માહોલને કારણે માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, પ્રવાસીઓ સ્થાનિક સ્થળો તરફ વળી રહ્યા છે. કેરલા, કાશ્મીર, સિક્કીમ અને રાજસ્થાન જેવા સ્થળો હાલ ગુજરાતીઓમાં ટોચ પર છે. ગ્રુપ ટુરનો ટ્રેન્ડ પણ વધ્યો છે. તેમ છતાં, ડોમેસ્ટિક ટુર પેકેજોમાં પણ લગભગ 20થી 22 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કુલ મળીને, આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસર ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગ માટે ભારે પડી રહી છે.
યુદ્ધને લીધે યુરોપ સહિત અન્ય વિદેશી ટુર પેકેજો મોંઘા બન્યા
- Advertisement -
ટુર અગાઉ પેકેજના દર હાલ પેકેજ
યુરોપ ટુર ₹ 3,00,000 ₹ 3,25,000
સિંગાપુર ₹1,15,000 ₹ 1,25,000
મલેશિયા ₹1,10,000 ₹ 1,25,000
ટુર અગાઉ પેકેજના દર હાલ પેકેજ
થાઇલેન્ડ ₹. 1,15,000 ₹ 1,25,000
બાલી ₹ 70,000 ₹ 85,000
ફૂકેટ-ક્રાબી ₹ 60,000 ₹ 70,000



