60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા હવે દિલીપ સંઘાણીના હાથમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફ્કોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઇફ્કોનું વર્ષે 60 હજારથી વધુ કરોડનું ટર્નઓવર છે.
21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીંદરસિંઘને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયેલા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીંદરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.
ઈફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી. ગઈકાલે જયેશ રાદડિયાને જિતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં જશ્નનો માહોલ છે.
ગઈકાલે ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ હતી. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો હતો. ભાજપે બિપીન ગોતા (પટેલ)ને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણીજંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપીન ગોતાને 66 મત જ મળ્યા હતા. આથી જયેશ રાદડિયાની જીત થઈ હતી.
- Advertisement -
સવારે કૉંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં આવે અને સાંજે ટિકીટ તેને ઈલુ ઈલુ ન કહેવાય ! સંઘાણી
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મળતા હોદ્દા સામે કાર્યકર્તાઓમાં અસંતોષ છે: સંઘાણી
દેશની પ્રતિષ્ઠિત ઈફકોની ચૂંટણીમાં ગઈકાલે પક્ષના મેન્ડેટને ફગાવીને સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના અગ્રણી અને ધોરાજી-જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના ભવ્ય વિજય બાદ હવે આ વિજયના શિલ્પી ગણાતા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ખુલ્લુ યુદ્ધ શરુ થઈ ગયું છે.
પાટીલના વિધાનો પર તેમનું નામ લીધા વગર કહ્યું કે ચુંટણીને ઈલુ ઈલુ કહેનારા આગેવાનને મારે પૂછવુ છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટી (ભાજપ)માં આવે અને પછી તેને ટિકીટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેનાથી કાર્યકર્તાઓ દુખી છે. દિલીપભાઈએ વધુમાં કહ્યું કે તેને ઈલુ ઈલુ કહેવાય કે જેઓ ભાજપને ભાજપ ચૂંટે તેને ઈલુ ઈલુ કહેવાય. આમ તેઓએ પાટીલના વિધાનો પર સીધો ફટકો માર્યો હતો. ભાજપમાં આવીને કોંગ્રેસ દ્વારા બીજે દિવસે પદ મેળવી લે તેને ઈલુ ઈલુ કહેવાય તે પ્રશ્ન પણ સંઘાણીએ પાટીલને પૂછયો હતો. એ પણ પૂછયુ હતું કે ભાજપમાં મનઘડન નિર્ણયોની સામે મતદાન થાય તેને ઈલુ ઈલુ કહેવાય. આમ દિલીપ સંઘાણીએ હવે પ્રદેશ પ્રમુખ સામે મોરચો ખોલી નાંખ્યો છે.