લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)
- Advertisement -
સાચી માહિતી પ્રગટ નહીં થાય ત્યાં સુધી લોકો ગેરમાહિતીઓના આધારે જ પોતાના મંતવ્યો બાંધશે, નિર્ણયો કરશે
મીડિયા પર ભરોસો રાખીને બેસો તો તમને એમ જ લાગે કે દારૂ પીને સ્ત્રીઓની છેડતી કરવાના આરોપસર જેલમાં જઈને જામીન પર છૂટેલા, કેજરીવાલના સાથી અને એમની પાર્ટીના અગ્રણી, ઈસુદાન ગઢવી જ ગુજરાતના નેકસ્ટ ચીફ મિનિસ્ટર બનવાના છે, એટલું જ નહીં ગુજરાત સરકારે જેને ગૃહ ખાતામાં પોલીસની નોકરી આપી અને જેણે તે વખતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી વિશે એલફેલ શબ્દો કહ્યા હતા તે ગોપાલ ઈટાલિયા ગુજરાતના ભાવિ ગૃહમંત્રી, નાણામંત્રી, વગેરે મંત્રી બનવાના છે.
મીડિયાના આ કારસ્તાન વિશે અને શા માટે ઈસુદાન અને ઈટાલિયા- બેઉ આપિયાઓને ગુજરાતના સમજું મતદારો વિધાનસભામાં મોકલવાના નથી એની વિગતે વાત કરતાં પહેલાં ગઈકાલે જ મહારાષ્ટ્રના મરાઠી પત્રકારત્વમાં બનેલી એક મોટી ઘટના વિશે વાત કરું. મહારાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વ વચ્ચે ભાષા સિવાય ઝાઝો ફરક નથી.
ભાઉ તોર્સેકરનું નામ બહુ ઓછા ગુજરાતીઓના કાને પડ્યું હશે. 75 વર્ષના ભાઉ તોર્સેકર મરાઠી પત્રકારત્વમાં 50 વર્ષથી છે અને ગુજરાતીમાં જેમ એક્સપ્રેસ ગ્રુપના દૈનિક ‘સમકાલીન’ના સ્થાપક તંત્રી તથા પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીનું નામ ભારે આદરથી લેવાય છે એવું જ ભાઉ તોર્સેકરનું છે. ભાઉ અત્યારે 75 વર્ષના છે. હસમુખ ગાંધી જો 1999માં 66 વર્ષની વયે ગુજરી ન ગયા હોત તો આજે 90ના આરે પહોંચ્યા હોત અને દંતાલિવાળા સ્વામી સચ્ચિદાનંદની જેમ આ ઉંમરેય પ્રવૃત્તિશીલ હોત.
ભાઉ તોર્સેકરે ગઈ કાલે પોતાની યુટયુબ પર ચેનલ પર બે વિડીયો મૂકી. પહેલી વિડીયોમાં કહ્યું: ‘હું તમામ મરાઠી ન્યુઝ ચેનલોનો આજથી, 1 ડિસેમ્બર 2022થી બહિષ્કાર કરું છું.’ ભાઉ છડેચોક કહે છે કે મરાઠી ન્યુઝ ચેનલો પોતાના એજન્ડા પ્રમાણે હિન્દુવાદી નેતાઓનાં સ્ટેટમેન્ટને તોડી-મરોડીને પેશ કરે છે. અનેક દાખલાઓ છે.
ભાઉએ બીજી વિડીયો નિખિલ વાગળે નામના એક મરાઠી પત્રકાર વિશે કરી. નિખિલ વાગળે ‘બદમાશ પત્રકાર’ છે એવું સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું. ભાઉની આ વાત સાથે શતપ્રતિશત સહમતિ છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી લેફટિસ્ટ અને સેક્યુલર નિખિલ વાગળેના પીળા પત્રકારત્વથી હું અને આખું મુંબઈ-મહારાષ્ટ્ર પરિચિત છીએ. નિખિલ વાગળે જેવા વરિષ્ઠ અને ભારાડી પત્રકારનું નામ દઈને એનાં કરતૂતો ખુલ્લાં પાડવાની ભાઉ તોર્સેકરની હિંમતને દાદ આપવી પડે.
ભાઉ તોર્સેકરની જેમ ગુજરાતમાં રહેતા, ગુજરાતી મીડિયાથી સુપેરે પરિચિત હોય એવા પત્રકારોમાંથી શા માટે કોઈ બોલતું નથી, અહીંની ન્યુઝ ચેનલો, યુટયુબ પછી રાજકીય સમાચારો આપતી તેમજ વિશ્ર્લેષણ કરતી ચેનલોની કક્ષા કેવી છે? નિખિલ વાગળે જેવા પત્રકારો ગુજરાતીમાં કોણ છે એવું જાહેરમાં કહીને વાચકોને- દર્શકોને સાવધ કરવાની ફરજ કેમ કોઈ બજાવતું નથી?
સાચી માહિતી પ્રગટ નહીં થાય ત્યાં સુધી લોકો ગેરમાહિતીઓના આધારે જ પોતાના મંતવ્યો બાંધશે, નિર્ણયો કરશે. દેશદ્રોહી મીડિયાની બદમાશીઓ સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો એમની જોહુકમી વધતી જવાની અને સમાજનું નુકસાન કરતી જ જવાની.
ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તેવું રિપોર્ટિંગ કરતા મીડિયાકર્મીઓ ખરેખરે તો પોતાના એજન્ડા મુજબ જમીની હકીકતને છુપાવવાનું કામ કરતાં હોય છે.
સુરતના કતારગામ મતવિસ્તારમાંથી ગોપાલ ઈટાલિયા કેજરીવાલનો ઉમેદવાર છે. દિવસ-રાત ઈટાલિયાની આરતી ઉતારનારા પત્રકારોએ તમને ક્યારેય જણાવ્યું નથી કે આ સીટ પર ભાજપનો દબદબો છે અને ‘આપ’ તો શું કોંગ્રેસ પણ ભાજપને હરાવી શકે એમ નથી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નાનુભાઈ વાણાની 88,000 કરતાં વધુ મતથી જીતીને એમએલએ બન્યા. એમના નિકટતમ પ્રતિસ્પર્ધી નંદલાલ પાંડવને 45000 જેટલા મત મળ્યા- લગભગ અડધા.
2017ની ચૂંટણીમાં આ ગેપ ઔર વધ્યો ભાજપના વિનોદભાઈ મોરડિયાને 1,25,000 જેટલા મત મળ્યા, કોંગ્રેસના જિજ્ઞેશ જીવાણીને માત્ર 46000 જેટલા- લગભગ ત્રીજા ભાગ જેટલા.
2022માં ઈટાલિયા ભાગ પડાવીને થોડા હજાર મત મેળવી જશે તો કોંગ્રેસમાં ભાગ પડાવશે, ભાજપમાં નહીં એવું કોઈપણ સામાન્ય નાગરિક સમજી શકે. વિનોદભાઈ મોરડિયા ફરી એકવાર વિધાનસભામાં જશે અને ઇટાલિયા પોતાની ડિપોઝિટ પણ બચાવી શકે તો તે એના માટે ‘નૈતિક વિજય’ કહેવાશે એવું મતદારોને કહેવાને બદલે મીડિયા તમને કતારગામ બેઠકનું કોઈ બેકગ્રાઉન્ડ આપતું જ નથી.
ઈસુદાન કે ઈટાલિયા તો નગણ્ય માણસો છે, રાજકારણના અખાડામાં ન્યુસન્સ ફેલાવવાના આશયથી આવેલા છે: રાજ્યમાં અરાજકતા ફેલાવવાના ઈરાદે કેજરીવાલે એમને મોટાભા બનાવ્યા છે
- Advertisement -
આવું જ ખંભાળિયાની બેઠકમાં છે જ્યાં કોઈ લાયકાત વિના મુખ્યમંત્રી બની જવા માગતા એક જમાનાના તકવાદી પત્રકાર ઈસુદાન ગઢવી ઉમેદવાર છે. હકીકત એ છે કે આ બેઠક પર ક્યારેક ભાજપનું તો ક્યારેક કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. કટોકટ માર્જિનથી બેમાંથી એક પાર્ટી જીતતી રહી છે. અહીં કોઈ તૃતિય પક્ષના ઉમેદવારના જીતવાનો ચાન્સ જ નથી. ભાજપના મુળુભાઈ બેરા કે પછી કોંગ્રેસના વિક્રમભાઈ માડમ આ બંને અનુભવી ઉમેદવારો વચ્ચે જ સીધી લડાઈ છે- ઈસુદાન પોતાની ડિપોઝિટ બચાવી શકશે તો પણ એમના માટે એ ઘણી મોટી ‘મોરલ વિક્ટરી’ હશે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમભાઈ માડમ લગભગ 80,000 મતથી જીત્યા હતા અને ભાજપના કાળુભાઈ ચાવડાને લગભગ 69,000 વોટ મળ્યા હતા. પાતળી સરસાઈ હતી. આ વખતે જો ઈસુદાન કોંગ્રેસના વોટ કાપે તો ભાજપના જ ઉમેદવાર જીતે- 2012ની ચૂંટણીની જેમ, જ્યારે ભાજપના પૂનમબેન માડમ 79,000 વોટથી જીત્યા હતા અને કોંગ્રેસના એભા આહિરને 40,000 જેટલા મત મળ્યા હતા. આ ઈકવેશન 2014 ખંભાળિયાની પેટાચૂંટણી વખતે બદલાયું- માંડ હજાર- બારસો મતથી. કોંગ્રેસના આહિર મેરામણ મરખીને 66,140 મત મળ્યા અને બીજેપીના મુળુભાઈ બેરાને 65,202 મત મળ્યા. આમાં ઈસુદાનનો ક્યાં ગજ વાગવાનો? પણ મીડિયાનું માનશો તો તમને ખંભાળિયામાં ચારેકોર ઈસુદાન જ ઈસુદાન છવાયેલો છે એવું લાગશે.
ઈસુદાન કે ઈટાલિયા તો નગણ્ય માણસો છે, રાજકારણના અખાડામાં ન્યુસન્સ ફેલાવવાના આશયથી આવેલા છે. રાજ્યમાં અરાજકતા ફેલાવવાના ઈરાદે કેજરીવાલે એમને મોટાભા બનાવ્યા છે. કેજરીવાલ પોતે રાષ્ટ્રીય સ્તરે એક ન્યુસન્સ મેકર, અરાજકતાવાદી, જૂઠ્ઠાબોલા અને ભ્રષ્ટાચાર તથા કોમી રમખાણો કરનાર સાથીઓને સાચવી લેનારા રાજકારણી તરીકે પંકાઈ ચૂક્યા છે.
કેજરીવાલને રંજ છે કે દિલ્હીમાં રાજ્યની પોલીસ કેન્દ્ર સરકારના તાબામાં રહે એવું બંધારણ છે. કેજરીવાલે તો છડેચોક કહ્યું જ છે કે (પોલીસ ઉપરાંત) ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તથા સીબીઆઈને મારા તાબામાં આપો તો હું એક દિવસમાં અડધી બીજેપીને અંદર કરી દઈશ. કેજરીવાલના આ કકળાટ સામે, ટ્વિટર પર ઘણું મોટું દેશપ્રેમનું કામ કરી રહેલા રાજકોટવાસી વિજય પટેલે ટિંગળ કરી હતી કે જો મારા હાથમાં ઈડી અને સીબીઆઈને સોંપવામાં આવે તો હું અડધા દિવસમાં આખી ‘આપ’ને જેલમાં પૂરી દઈ શકું!
કેજરીવાલનું ફંડિંગ ક્યાંથી, કેવી રીતે આવે છે તે સહિતની ‘આપ’ની અનેક પોલ ખોલનારા વિજય પટેલની પાછળ ‘આપ’વાળા આદુ ખાઈને પડી ગયા છે. વિજય પટેલ જેવી હિંમત જો ગુજરાતના તમામ મીડિયાવાળા બતાવી શકે તો ચોવીસ કલાકમાં ‘આપ’ના તમામ લોકો નિર્વસ્ત્ર બની જાય, એમણે રાતોરાત ભૂગર્ભમાં છુપાઈ જવું પડે, પણ એવું થતું નથી, કારણ કે કેજરીવાલને ખબર છે કે કોનું મોઢું કેવી રીતે બંધ થાય.
કેજરીવાલને પોલીસ વગેરે પોતાના કહ્યામાં હોય એવી સત્તા જોઈએ છે. તેનું કારણ સ્પષ્ટ છે. અત્યારે ભરે એ હનુમાનચાલીસા ગાતા ફરતા હોય અને મંદિરે-મંદિરે ભટકીને દર્શન કરી કપાળે ભભૂતિ લગાડેલી હોય એવા ફોટા પ્રચલિત કરતાં હોય પણ તેઓ એક હાર્ડકોર હિન્દુદ્વેષી છે, આ દેશની સનાતન પરંપરા એમને ખૂંચે છે. કારણ કે એમને ફાઈનાન્સ કરનારા લોકો ભારતદ્વેષી છે, તેઓ ભારતના ટુકડે-ટુકડા કરી નાખવા આતુર છે. આપ અને કોંગ્રેસ ભલે એકમેકના વિરોધી ગણાતા હોય પણ બેઉના એજન્ડા એક છે. ભવિષ્યમાં ‘આપ’ કોંગ્રેસમાં વિલીન થઈ જાય કે કોંગ્રેસ આખેઆખી ‘આપ’માં ભળી જાય તો એ ચમત્કાર નહીં હોય, મનમોહન દેસાઈની ફિલ્મ જેવું, હજયાત્રામાં બીછડી ગયેલા બે ભાઈઓનું પુનર્મિલન હશે.
કોંગ્રેસના અને ‘આપ’ના ડી.એન.એ. એક જ છે. ભૂતકાળમાં કોંગ્રેસ જે કંઈ કાંડ કરી ચૂકી છે તે સઘળુંય દુષ્કર્મ ‘આપ’ કરવાને કેપેબલ છે, માત્ર તકની રાહ જુએ છે. કોંગ્રેસના સાપને કચડી નાખ્યા પછી ‘આપ’નું સાપોલિયું પણ જો કચડી નખાય નહીં તો ભવિષ્યમાં એ કોંગ્રેસ કરતાં ઘણું મોટું નુકસાન આ દેશનું કરશે. કોંગ્રેસ ભલે આ ચૂંટણીમાં હારવાની હોય પણ કોંગ્રેસે કરેલાં કાંડ ભૂલી જઈશું તો તે આજે નહીં તો આવતીકાલે ફરી માથું ઉંચકશે. કોંગ્રેસે નજીકના ભૂતકાળમાં ગુજરાતનું અને ભારતનું કેટલું મોટું
નુકસાન કર્યું છે તેની વિગતે વાત કરી આજની વાતને વિરામ આપીએ.
યાદ રાખજો, કેજરીવાલ અને રાહુલના દિમાગમાં બદમાશીઓ ઠાંસી-ઠાંસીને ભરેલી છે
કેજરીવાલે દિલ્હીમાં 2020માં હિન્દુ વિરોધી રમખાણો કરાવનારા પોતાના સાથી મુસ્લિમ નેતાઓને કાનૂનના સકંજામાંથી બચાવવાની ભરપૂર કોશિશ કરી, તો રાહુલએ પણ ટુકડે-ટુકડે ગેંગના લીડર ક્ધહૈયાકુમારને અને એના જેવા જ બીજા અનેક દેશવિરોધીઓને કોંગ્રેસમાં સ્થાન આપ્યું
કોંગ્રેસની મંછા આ દેશમાંથી હિન્દુત્વનો એકડો ભૂંસી નાખવાની છે. નેહરુના જમાનાથી કોંગ્રેસે જે વોટ બેન્ક ઊભી કરવાનું શરૂ કર્યું છે તેને એમના વારસદારો જ નહીં, ભાજપના તમામ વિરોધીઓ અનુસરી રહ્યા છે. શરદ પવારથી લઈને દિગ્વિજય સિંહ સુધીના અને વર્તમાનમાં રાહુલ ગાંધી સુધીના સૌ કોંગ્રેસીઓ હિન્દુદ્વેષી પુરવાર થયા છે.
શરદ પવાર તે વખતે મહારાષ્ટ્રના કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. 12 માર્ચ 1993. યાદ છે? મુંબઈમાં કુલ બાર ઠેકાણે દાઉદ ઈબ્રાહિમે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા તે દિવસ યાદ છે? મુખ્યમંત્રી શરદ પવારે એ દિવસે સાંજે પત્રકારોને કહ્યું કે શહેરમાં તેર ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેરમું સ્થળ એમણે મોહમ્મદ અલી રોડ ગણાવ્યું. મુખ્યમંત્રી હળાહળ જૂઠ્ઠુ બોલતા હતા. તેરમો વિસ્તાર એમણે ખોટો ઉમેર્યો હતો. એ મુસ્લિમ વિસ્તારમાં બોમ્બ તો શું ચાંદલિયા પણ નહોતા ફૂટ્યા. શરદ પવાર શું કામ જૂઠ્ઠુ બોલ્યા? કલ્પના કરી શકો એમ છો? દસ વર્ષ પછી એમણે કબૂલ કર્યું કે એવી છાપ ન પડે કે આ બોમ્બ ધડાકા હિન્દુ વિરોધી છે એટલે મેં મુસ્લિમ લીગનું નામ જોડ્યું હતું. બોલો, સેક્યુલરિઝમની આ કેવી ઉદાત્ત ભાવના! શરદ પવાર જેવા અત્યંત હલકું માનસ ધરાવતાં રાજકારણીના શેતાની દિમાગમાં જ આવો બદમાશ વિચાર સ્ફૂરે. યાદ રાખજો, કેજરીવાલ અને રાહુલના દિમાગમાં આના કરતાં વધારે બદમાશીઓ ઠાંસી-ઠાંસીને ભરેલી છે. કેજરીવાલે તો દિલ્હીમાં 2020માં હિન્દુ વિરોધી રમખાણો કરાવનારા પોતાના સાથી મુસ્લિમ નેતાઓને કાનૂનના સકંજામાંથી બચાવવાની ભરપૂર કોશિશ કરી જ છે. રાહુલ ગાંધીએ પણ ટુકડે-ટુકડે ગેંગના લીડર ક્ધહૈયાકુમારને અને એના જેવા જ બીજા અનેક દેશવિરોધીઓને કોંગ્રેસમાં સ્થાન આપ્યું છે.
કોંગ્રેસની આ પરંપરા રહેલી છે- હિન્દુત્વના પ્રહરીઓને કોઈપણ ભોગે બદનામ કરવા અને પોતાની વોટબેન્ક આગળ વધારવી.
2002ના રમખાણો પછી કોંગ્રેસે, કોંગ્રેસના કપિલ સિબ્બલ જેવા નેતાઓએ તિસ્તા સેતલવાડ અને અન્ય એનજીઓની બહેનજીઓને ભરપૂર સાથ આપીને ગુજરાતને હેરાન કરવામાં કોઈ કસર છોડી નહોતી. 2004 પછી કેન્દ્રમાં કોંગ્રેસ આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સામે સીબીઆઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ છુટ્ટી મૂકી દીધી, અદાલતોમાં ખોટા કેસ કરાવ્યા- દરેક જગ્યાએ ક્લીન ચીટ મળી હોવા છતાં આજની તારીખેય કોંગ્રેસીઓ વડાપ્રધાન મોદીને ગાળો આપવાની એક તક છોડતા નથી. ગુજરાતના તે વખતના ગૃહમંત્રી અમિત શાહને કોંગ્રેસે જેલમાં પૂર્યા, પછી તડીપાર કરીને ગુજરાતમાં પ્રવેશવા ન દીધા- અમિત શાહ પણ દરેકે-દરેક બાબતમાં કાનૂની ક્લિન ચીટ મેળવી ચૂક્યા છે છતાં કોંગ્રેસ અને એના પિઠુ જેવું મીડિયા વારતહેવારે એમના પર કાદવ ઉછાળ્યા કરે છે.
દિગ્વિજય સિંહે તો કોંગ્રેસની અસલિયત સાવ ઉઘાડી પાડી દીધી- ‘હિન્દુ આતંકવાદ’ શબ્દપ્રયોગ રચીને દેશ આગળ, દુનિયા આગળ એવું જતાવવાની કોશિશ કરી કે આ હિન્દુડાઓ પણ કંઈ કમ નથી, મુસ્લિમોની જેમ આ હરામખોરો પણ આતંકવાદ ફેલાવતા ફરે છે એવું કહીને એમણે સ્વામી અસીમાનંદ, કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞાદેવી વગેરે હિન્દુત્વના પ્રહરીઓને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ તેમજ અન્ય કેસોમાં ફિટ કરી દીધા.
2014માં જો મોદી વડાપ્રધાન ન બન્યા હોત તે ‘હિન્દુ આતંકવાદ’ની કાળી ટીલી કાયમની આપણા માથે લાગી ગઈ હોત. કમનસીબી એ છે કે હિન્દુઓને બદનામ કરવાનું કાવતરુ ઘડનારો દિગ્વિજય સિંહ છુટ્ટો ફરે છે, એને કોઈ સજા નથી થઈ.
અને વધુ મોટી કમનસીબી એ છે કે આજના દરેક ક્ષેત્રે પ્રગતિ પામેલા ગુજરાતના વિકાસની ગાથા આપણા સુધી પહોંચાડવાને બદલે મીડિયા આપણને ગેસના બાટલા અને ઘાસલેટના ડબ્બા સાયકલ પર લાદીને વોટ આપવા જતા કોંગ્રેસીઓના ફોટા દેખાડ્યા કરે છે.
ગુજરાતી મીડિયામાં તટસ્થતાનો અર્થ એક જ છે- મોદીને, ભાજપને ભરપેટ ગાળો આપો અને હિન્દુવાદીઓને કોમવાદી ગણાવીને ઉતારી પાડો, એમને રિડિક્યુલ કરો- તમે આપોઆપ તટસ્થ, નીરપેક્ષ અને બહાદુરમાં ખપી જશો. અને કોંગ્રેસને- આપને મદદ કરવાનો તમારો કુટિલ એજન્ડા પણ છુપાઈ જશે, તમારા ભૌતિક કે નૈતિક ભ્રષ્ટાચારને કોઈ નહીં પડકારે. ગુજરાતી મીડિયાને પણ એક ભાઉ તોર્સેકરની તાતી આવશ્યકતા છે.