પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ;
સાધુતા નહિ વાર્ધક્યે, વ્યર્થ એ જીવનક્રમ.
– રા. વી. પાઠક
- Advertisement -
એક શિક્ષક તરીકે બાળકોના વર્તનનું નિરીક્ષણ કરતાં મને લાગ્યું કે અત્યારના બાળકો હોશિયાર અને બુદ્ધિશાળી હોવા છતાં નાની ઉંમરે ડિપ્રેશનનો શિકાર બને છે, સ્વતંત્ર વિચાર ધરાવતા નથી (ભણવામાં હોશિયાર હોવાને અને સ્વતંત્ર વિચાર હોવાને કંઈ લાગતું વળગતું નથી, હોંકે!). પછી મનમાં પ્રશ્ન જાગે કે આ બધાનું કારણ શું? ઘણાબધા કારણો તેના માટે જવાબદાર હોઈ શકે જેમ કે માતાપિતાનો ઉછેર, મોબાઈલ-ટીવી પર જોવાતું ક્ધટેન્ટ, ઘરનું વાતાવરણ તથા મિત્રોનો સંગાથ. જોકે, મને એ બાબત જાણવામાં રસ પડે કે મનોરંજનના માધ્યમોનો બાળકોના મન પર શું પ્રભાવ પડે. બાળકોનું વર્તન તેમની માનસિકતા પર આધારિત હોય છે અને માનસિકતા ઘડાય છે શું ગ્રહણ કરવામાં આવે તેના આધારે. અત્યારના બાળકોને વિઝ્યુઅલ્સમાં જ રસ છે, બાકી તેઓ કંઈ ખાસ વાંચતા નથી. તેઓ જુએ છે તે બધા કાર્ટુનોમાં કોઈ ખાસ કથાતત્ત્વ કે બોધ હોતા નથી એટલે તેમનો મોરલ ફાઉન્ડેશન એટલું મજબૂત નથી. હવે લેખની શરૂઆતમાં આપેલી પંક્તિઓ વાંચો. શી લખ્યું છે તેમાં? બધી વસ્તુઓ યોગ્ય સમયે શોભે. અત્યારના બાળકો બહુ નાની ઉંમરે ’સમજણા’ થઈ છે.
તે એક મોટી સમસ્યા છે. આમ તો ઓવરઓલ માણસો જ બહુ ’આધ્યાત્મિક’ થતા જાય છે અને એટલે જ જીવતા જીવનથી દૂર થતા જાય છે. તેમાંય બાળકોની વાતો સાંભળીએ તો એવડી ઉંમરે તેમની પાસેથી પ્રેમ, બ્રેકઅપ, ફાલતુ ફિલોસોફી ભરેલી વાતો સાંભળવા મળે. મને એમ થાય કે કેમ આ બધા બાળકો આટલી નાની ઉંમરે આવી ડાહી-ડાહી વાતો કરે છે? અચાનક જ મને સ્મરણ થાય અમારા બાળપણ, ભોળપણ, જિજ્ઞાસા અને નિર્દોષતાનું અને ખબર પડે કે તે બધી બાબતો માટે તે સમયે વાંચેલું બાળસાહિત્ય પણ ઘણી હદ સુધી જવાબદાર હતું! નાનપણમાં વાંચનની શરૂઆત તો જાણે જનમાનસમાં પ્રસિદ્ધ એવી કૃતિઓ જેમ કે ટારઝન, અરેબિયન નાઈટ્સ, બત્રીસ પૂતળીની વાર્તાઓ, વેતાળ પચીસી, વગેરે થી જ થઇ હતી. પપ્પાએ બાળકો માટેની રામાયણ અને મહાભારત લઇ આપેલી. પછી સ્કૂલની લાઇબ્રેરીએ સિદ્ધહસ્ત સાહિત્યકારોનો ચોપડીઓ વાંચી અને બાળસાહિત્યનો ખજાનો ખૂલતો ગયો.
વિરામ:
બીવા જેવી વાતથી ના બીએ અને પોતાને શૂરવીર માનીને ખોટી ડંફાશમાં આવી જાય તે માર ખાઈ જાય છે. બીવા જેવી વાતથી બીવું ને તેની બીક મટી જાય તેવા ઉપાય કરવા.
- Advertisement -
અત્યારે જીવરામ જોશીની એક મસ્ત બુક ગધ્ધાનાં લાડુ વાંચું છું તેમાં એક પાત્ર દ્વારા કહેવાયેલી, ગણીને ગાંઠે બાંધવા જેવી વાત.
સૌથી પહેલા પરિચય થયો જીવરામ જોશી સાથે. તેમણે મિયાં ફુસકી, તભા ભટ્ટ, દલાશેઠ, છકો-મકો, છેલ-છબો, માનસેન સાહસી જેવા અનેક યાદગાર પાત્રો આપ્યા. આ બધાપાત્રો મારા જેવા અનેક વાચકોના મનમાં હંમેશને માટે ઘર કરી જવાના હતા. પછી આવ્યા હરીશ નાયક. કેટકેટલી યાદો છે તેમના પુસ્તકો સાથેની પણ એક ચોપડી તો ક્યારેય ભુલાશે નહી – સ્વર્ગની સહેલ. એક સિપાઈ સદેહે સ્વર્ગ જાય છે એવી અત્યારના સમય મુજબ પણ નોવેલ સ્ટોરીલાઇન ધરાવતી એ બુક જીવનપર્યંત ભુલાવાની નથી. નાયકદાદાએ હેરી પોટરની સીરીઝનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. તે સિવાય તેઓએ જે વિજ્ઞાનકથાઓ લખી તેમાં એક જોરદાર પાત્ર સર્જ્યું હતું – અણુરાક્ષસ. હવે વાત એક એવા લેખકની કરવાની છે કે જે અંગ્રેજીમાં તો ઓલટાઈમ ગ્રેટેસ્ટમાં ગણાઈ જાત. તે મહાન ભાષાસેવકે એટલે આપણા રમણલાલ સોની. તેમનું પ્રદાન ગુજરાતી બાળસાહિત્યમાં અનન્ય છે અને રહેશે. વિખ્યાત બાળકથા ’ધ વિઝાર્ડ ઓફ ઓઝ’નો તેમણે ભાવાનુવાદ કર્યો તો બત્રીસ પૂતળીની કથાઓ, ટારઝન, વેતાળ પચીસી તથા અરેબિયન નાઈટ્સ જેવી કૃતિઓને પણ પોતાની આગવી શૈલીમાં વાંચકોને પીરસી. આ બધા સિવાય તેમનું પોતાની મૌલિક પ્રદાન તો ખરું જ. બાળકોની કેટકેટલી પેઢીઓનું તેમની વાર્તાઓએ ઘડતર કર્યું છે કારણ કે જીવનની ફિલોસોફીને સરળ શબ્દોમાં રજુ કરવામાં તેમનો જોટો જડે તેમ નથી. બાળસાહિત્યમાં તો જેટલું કહીએ તેટલું ઓછું છે. વિજ્ઞાન તથા રહસ્યની કથાઓમાં યશવંત મહેતા, વોલ્ટ ડિઝનીના મિકી માઉસ જેવા જ એક અજોડ પાત્ર બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ, જુલે વર્નેની વાર્તાઓનો અદભુત અનુવાદ કરનાર મૂળશંકર મો. ભટ્ટ – આ બધાના આપણે ઋણી છીએ કે તેઓએ આપણી ભાષાને રળિયાત કરી. ઉપરોક્ત લેખકોએ વિદેશી કૃતિઓનો રસાળ અનુવાદ કરી આપણને વિશ્વસાહિત્યનો પરિચય કરાવ્યો.
આ બધા લેખક પર અલગ અલગ લેખ લખી શકાય છે પણ અત્યારે જગ્યાના અભાવે એ શક્ય નથી. બાળપણમાં પુસ્તક સાથે તો ’પનારો’ તો મહિનામાં અમુક દિવસ જ પડતો કે જયારે પપ્પા બુક સ્ટોલે લઇ જતા પણ ત્યારે ગુજરાતીમાં જેનો સદંતર દુકાળ છે તેવી બાળકો માટેની પૂર્તિઓ તો દર શનિવારે વાંચવા મળતી. એ સમયે ’ઝગમગ’ બાળકો માટેની એક પ્રીમિયમ પૂર્તિ હતી. અત્યારની પૂર્તિઓથી સાવ વિપરીત એવી તેમાં ત્યારે મસ્તમસ્ત વાર્તાઓ સુંદર ચિત્રો સાથે આવતી. તેના સિવાય ચાંદામામા, ચંપક, નિરંજન, ધીંગામસ્તી તથા ફૂલવાડી જેવા મેગેઝીન આવતા અને અમે તેને સ-રસ વાંચતા. અત્યારની પરિસ્થિતિ શું છે? ગુજરાતી સાહિત્યમાં જ અકાલની સ્થિતિ છે તેવામાં બાળસાહિત્ય વિષે વાત કરવા જેવી નથી. બાળકોની એક આખી પેઢી કાર્ટૂન, મોબાઈલ ફોન, સોશિયલ મીડિયામાં બીઝી છે. અમુક વળી ઉંમર કરતાં બહુ મોટીમોટી વાતો કરે છે અને ખોટીવેશનલ સ્પીકરોના ચાહકો છે. જીવનથી વેગળી એવી વાતો મગજમાં ભરીને આ બધા જાણે એક ખોખલી ઈમારત જેવા બની રહ્યા છે. ખાલી પ્રોટોન-ન્યુટ્રોનના નામ જ સાંભળ્યા હોય એવા બાળકો સ્વેગ મારવા આઈન્સટાઈન, હોકીંગની વાતો વગર સમજ્યે ફેંક્યા કરે છે. હવે તેઓ સીધા ’મોટા’ જ બની જાય છે. બાળસહજ વિસ્મય, નિર્દોષતા,નિખાલસતા ઓછી જ જોવા મળે છે. બેટર એ છે કે આપણે તેઓને આપણા જુના બાળસાહિત્યનો પરિચય કરાવીએ.
પૂર્ણાહુતિ:
બાળસાહિત્યના ગદ્યની આપણે વાત કરી પણ તે પહેલાના લેખકો પદ્યમાં કેવું કાળજયી સર્જન કરી જાણતા! ‘મીઠી માથે ભાત’ ‘અંધેર નગરી’ કે ‘ઊંટ કહે આ સભામાં’ જેવી કૃતિઓ ક્યારેય આપણા મનમાંથી ભૂંસાવાની ખરી?
-સિદ્ધાર્થ રાઠોડ