સમાચારપત્રમાં રાજીનામાની જાહેરાત પછી સમાજમાં અસંમજસની સ્થિતિ
હોદેદારોની યાદી અને હિસાબ રજૂ કરવા માટે સીતારામ છાત્રાલયમાં ખાસ સભાનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાત વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ રાજકોટ ટ્રસ્ટ (રજી. નં. એ-2230) દ્વારા સીતારામ છાત્રાલય હરીનગર મેઇન રોડ ખાતે આવતી કાલે 9 નવેમ્બર 2025ના રોજ સાંજે 4 કલાકે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. તાજેતરમાં કેટલાક સમાચારપત્રોમાં ટ્રસ્ટના તમામ હોદેદારો તથા કમીટી સભ્યોએ રાજીનામા આપ્યા હોવાનું જાહેર થયું હતું. જોકે, આ જાહેરાતમાં ન તો કોઈ વ્યક્તિના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ન તો કોને રાજીનામું સુપરત કરાયું તેની વિગતો આપવામાં આવી હતી. જેના કારણે સમાજના સભ્યોમાં અસંમજસ અને ગેરસમજની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને સ્પષ્ટ કરવા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. સમાજના તમામ હોદેદારો, અગ્રણીઓ અને સભ્યોને આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં તમામ હોદેદારોની વિગત, હિસાબો અને વહીવટની માહિતી રજૂ કરવામાં આવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સમાજ તરફથી જણાવાયું છે કે જે લોકોએ રાજીનામા અંગે સમાચારપત્રમાં જાહેરાત કરી છે, તેઓએ આ બેઠકમાં હાજરી આપી તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી સમાજમાં એકતા અને વિશ્વાસ જળવાઈ રહે.



