એકની હાલત ગંભીર : અમદાવાદના રામોલ પોલીસ મથકની ટીમ પંજાબ જતી હતી : ઘેરો શોક
ખાસ-ખબર ન્યૂઝ હરિયાણા, તા.26
- Advertisement -
હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે(26 માર્ચ) ભારતમાલા રોડ પર ગુજરાત પોલીસનું વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. જેમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરકારી બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે.
જ્યારે પીએસઆઇ જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતા જ એસીપી આઈ ડિવિઝન અને એક પીએસઆઇ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.
આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની કાર વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ડબવાલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ ત્રણ પોલીસકર્મીઓને મૃત જાહેર કર્યા. આ પછી, ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા છે. એક પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ સોલંકી સાથે પોકસોની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી વાહન લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે. જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસ બેડામાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે.