સાંઢીયા પુલ વિસ્તારની સગીરાના કેસમાં પકડાયેલા અવિનાશ વાઘેલાને નિયમિત જામીન અપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના સાંઢીયા પુલ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીર પુત્રીના અપહરણ, બદકામ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી અવિનાશ હરેશભાઈ વાઘેલાને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
ગત તા. 08/02/2025ના રોજ ફરિયાદીની સગીર પુત્રી ઘરેથી ગુમ થઈ હતી, જેના પગલે પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં આરોપી અવિનાશ વાઘેલા સગીરાને ભગાડી ગયો હોવાની હકીકત સામે આવી હતી. આરોપી અને ભોગ બનનાર જુનાગઢ ખાતે આરોપીના સગાના ઘરેથી મળી આવ્યાં હતાં. સગીરાના નિવેદનના આધારે પોલીસે ફરિયાદમાં બી.એન.એસ.ની કલમ 87, 64(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4 મુજબનો ઉમેરો કર્યો હતો. આરોપીની તા. 14/02/2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે નામંજૂર થતાં તેણે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારી હતી. બંને પક્ષકારોની દલીલો, મૌખિક તેમજ લેખિત પુરાવા અને પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને તથા આરોપીના બચાવમાં રજૂ કરાયેલા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે, નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી અવિનાશ હરેશભાઈ વાઘેલાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ સહિતના વકીલો રોકાયેલા હતા.