ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
ગત તા. 20-4-2025ના રોજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર- ફરિયાદીએ આરોપી દર્શન ભુપેન્દ્રભાઈ પીઠડીયા સામે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપોવાળી ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર- ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એવી હકીકત લખાવેલી હતી કે આરોપી દર્શને તેણી સાથે પ્રેમસંબંધ રાખી લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધી બાદ તેણીને લગ્ન કરવાની ના પાડી દીધેલી હતી તે અંગેની ફરિયાદ ભોગ બનનાર- ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે આરોપી દર્શન પીઠડીયાએ તેઓના એડવોકેટ મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી હતી. જે અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી હતી. જે હુકમ સામે આરોપી દર્શન પીઠડીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી. સુનવણી દરમિયાન હાઈકોર્ટમાં આરોપી તરફે એડવોકેટ પ્રતીક વાય. જસાણી તેમજ અમૃતા ભારદ્વાજ હાજર થયેલા હતા. પોતાની દલીલમાં એડવોકેટ પ્રતીક જસાણીએ જણાવેલું હતું કે બંને ભોગ બનનાર-ફરિયાદી તેમજ આરોપી તે પુખ્ત વયના છે અને પોતાનું ભલુબુરું સારી રીતે જાણે છે. પોતાની દલીલ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ વાંચી સંભળાવતા પ્રતીક જસાણીએ જણાવેલું હતું કે ફરિયાદ જોતાં બંને વ્યક્તિઓએ સ્વઈચ્છાએ સંબંધ બાંધ્યો છે. વધુમાં મોબાઈલ મારફત વાતચીત અંગેના પુરાવાઓ રજૂ રાખતા જસાણીએ જણાવેલું હતું કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને બંને પોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ સાથે ફરવા જતા જેથી આ ભોગ બનનાર- ફરિયાદી કોઈના ખોટા પ્રલોભનમાં આવી જાય તે હકીકત માની શકાય તેવી નથી.
બંને પક્ષોની વિગતવારની દલીલો સાંભળ્યા બાદ તથા રજૂ રાખવામાં આવેલી વિવિધ વડી અદાલતોના ચૂકાદાઓને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જણાવેલું હતું કે અરજદાર અને ફરિયાદી બંને પુખ્ત વયના વ્યક્તિઓ છે તથા ભણેલા-ગણેલા છે જેથી બંને વ્યક્તિઓ પોતાનું ભલુબુરુ સારી રીતે જાણે છે સાથે હાઈકોર્ટે જણાવેલું હતું કે અરજદારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી તેમજ અરજદારની કસ્ટોડીયલ ઈન્ટરોગેશનની જરૂરિયાત જણાતી નથી. ઉપરોક્ત હકીકતો દર્શાવી નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી દર્શન પીઠડીયાને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો.
- Advertisement -
આ કામના આરોપી દર્શન ભુપેન્દ્રભાઈ પીઠડીયા તરફે એડવોકેટ દરજ્જે સેશન્સ કોર્ટમાં ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુક્લ તથા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતીક વાય. જસાણી તથા અમૃતા ભારદ્વાજ રોકાયેલા હતા.



