એગ્રી સ્પ્રે પંપની ફાળવણી બાદ ખોટા બિલ મુકી ઉચાપત કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેમને સરપંચપદે દૂર કરવા ડીડીઓએ હુકમ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના બેડલા ગામના સરપંચ અજયભાઈ સોરાણીને ડીડીઓ તથા અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર દ્વારા નોટીસો આપેલી કે તેઓ બેડલા ગામના સરપંચ હોય અને બેડલા ગામ જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ હોય સરકારની વર્ષ 2022-23ની સાલમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત 120 એગ્રી સ્પ્રે પંપની ફાળવણી કરવામાં આવેલી હતી. ત્યારબાદ લાભાર્થીઓની યાદી તૈયાર કરીને 120 એગ્રી સ્પ્રે પંપની વહેંચણી કરવાની હોય તેના બદલામાં 57 લાભાર્થીઓને એગ્રી સ્પ્રે પંપ આપવામાં આવેલા હતા. જ્યારે 63 એગ્રી સ્પ્રે પંપ નહીં આપી અને ગેરરીતિ આચરી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી કુલ રૂા. 5,58,000ના નાણા મેળવવા સરકારી કચેરીમાં બીલો મૂકી નાણા મેળવવા પ્રયત્ન કરી ઘણાબધા ખાતેદારોની ખોટી સહીઓ કરાવડાવેલી હતી અને નાણાની ઉચાપત કરવાની કોશિશ કરેલી હતી, જે અંગે અશોકભાઈ કરૂણાશંકર મહેતા કે જેઓ રાજકોટ તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હોય તેના દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420, 409, 465, 467, 468, 471, 511 મુજબના ગુન્હાની ફરિયાદ આપવામાં આવેલી હતી અને તે મતલબનો ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો. જેથી ગુન્હો દાખલ થયા અનુસંધાને ડીડીઓ દ્વારા તા. 7-7-23ના રોજ હુકમ કરી તેઓને સરપંચપદેથી દૂર કરેલા હતા. ત્યારબાદ તેઓ દ્વારા અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર ખાતે હુકમ સામે અપીલ દાખલ કરેલી હતી. જે અપીલ અનુસંધાને અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર દ્વારા ડીડીઓનો તા. 7-7-23નો હુકમ કાયમ રાખી તા. 11-6-24ના રોજ તેઓને સરપંચપદેથી દૂર કરવાનો હુકમ મંજૂર રાખેલો હતો.
નોટીસ આપ્યા બાદ તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સદરહુ સરપંચ પદમાં ફરીવાર લેવા માટે અરજી કરેલ હતી. તે અરજી અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે તેઓ દ્વારા કોઈ જાતની ઉચાપત કરવામાં આવેલી નથી કે કોઈ બોગસ સહીઓ કરી બીલો બનાવેલા નથી તેમજ જે ગુન્હા અનુસંધાને તેઓ દ્વારા અજયભાઈ સોરાણીને સરપંચપદેથી દૂર કરવામાં આવેલા છે તે ગુન્હામાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓને આગોતરા જામીન આપવામાં આવેલા હતા, તેમજ તેઓને ડીડીઓ દ્વારા કે અધિક વિકાસ કમિશનર દ્વારા યોગ્ય રીતે સાંભળવામાં આવેલા નથી અને એકતરફી કાર્યવાહી કરી તેઓને સરપંચપદેથી દૂર કરી દીધેલા છે તેમજ જે સ્પ્રે પંપનું વિતરણ થયેલું તે તમામ યોગ્ય કાર્યવાહી કરીને જ કરેલી છે જેથી આવી કોઈ ઉચાપતનો પ્રશ્ર્ન જ રહેતો નથી તેમજ તેઓને કોઈપણ જાતની રજૂઆતો તથા તેઓના ખુલાસાઓ ધ્યાને લીધા વગર સરપંચપદેથી દૂર કરી દીધેલા છે. ઉપરોક્ત સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અજયભાઈ સોરાણી તરફે થયેલી રજૂઆતો, નામદાર સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ તેમજ પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઈને ડીડીઓ તથા અધિક વિકાસ કમિશનર દ્વારા તેઓને સરપંચપદેથી દૂર કરવાના જે હુકમો ફરમાવેલા તે હુકમો રદ કરી અજયભાઈ નાથાભાઈ સોરાણીને ફરીથી સરપંચપદે નિમણુંક કરવા હુકમ ફરમાવેલો છે.
આ કામમાં ગુજરાત હાઈકોર્ટમાં આશીષભાઈ ડગલી તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવીર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



