ગેરકાયદે બાંધકામ મુદ્દે HCને ઊંધા ચશ્માં પહેરાવવાની વૈષ્ણવની કારી ન ફાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના યાજ્ઞિક રોડ પર ભીલવાસના ખૂણા પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે અનેક ગેરરીતિ આચરી તદ્દન ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું છે. માર્જિન કે મંજૂરી વગર ચાલતા આ બાંધકામને બે વર્ષ પહેલાં 260(2) એટલે કે ડિમોલિશન કરવાની આખરી નોટિસ આપી દેવાઈ છે. આમ છતાં બાંધકામ ચાલી રહ્યું છે. આ પાછળ કોર્પોરેશનના જ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપ નેતાની સંડોવણી પણ સપાટી પર આવવા લાગી છે.
વી. પી. વૈષ્ણવને કોણ છાવરી રહ્યું છે?
વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવનું ખૂલ્લેઆમ ગેરકાયદે બાંધકામ સરકારની અને કોર્પોરેશનની વિવિધ જાહેરાતો પર કલંક સમાન છે. રાજ્ય સરકારે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક વખત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું એલાન કર્યું છે. પરંતુ વૈષ્ણવે રાજકોટનાં રાજમાર્ગ એવા યાજ્ઞિક રોડ પર આવું બાંધકામ ખડક્યું છે. ચર્ચાતી વિગતો મુજબ તેમને ભાજપનાં એક ધારાસભ્ય અને એક લેઉવા પાટીદાર અગ્રણી તમામ પ્રકારે છાવરી રહ્યાં છે.
કોર્પોરેશન થકી મળેલી નોટિસ મુદ્દે દોઢ ડહાપણ કરવા જતાં વૈષ્ણવ ફસાયા: 15 દિવસમાં જવાબ આપવા હાઈકોર્ટનો આદેશ
- Advertisement -
ક્યારેક સાગઠિયાની મદદથી તો ક્યારેક નેતાનો આશરો મેળવી ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે છડે ચોક ખોટું કર્યું છે. યાજ્ઞિક રોડ પર બીઝ હોટેલ સામે બિનઅધિકૃત બાંધકામમાં સ્કેચર્સનો શો રૂમ નિર્માણ પામ્યો તેનું કારણ એ છે કે, તે બિનઅધિકૃત બાંધકામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવનું છે અને રાજકોટ મહાનગરપાલિકાએ તેને લઈને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ આપી રહી છે. મનપાએ નજર સામે ગેરકાયદે બાંધકામ થતું હોવા છતાં બંધ કરાવ્યું નથી તેમજ નિયમ મુજબ ફેરફાર કરાવવાના નામે નોટિસ બાદ પણ છ-છ મહિનાનો સમય આપ્યો છે. આટલી કૃપાદૃષ્ટિ કર્યા બાદ હવે વી.પી. વૈષ્ણવે કોર્ટમાં જઈને આ નોટિસ રદ જ કરી નાખવા માટે દાવો નાખ્યો છે. જોકે કોર્ટે નોટિસ રદ કરવાને બદલે વી.પી. વૈષ્ણવને 15 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. વી.પી. વૈષ્ણવે કોર્ટમાં દાવો નાખ્યો હતો કે, 260(2)ની નોટિસ તેમની બિલ્ડિંગને 1-9-2023ના અપાઈ હતી. જોકે નોટિસમાં ભાવેશભાઈ લખેલું હતું જેને તેઓ ઓળખતા નથી. નોટિસ તેમના નામજોગ અપાઈ ન હોવાથી તેમજ સાંભળવા માટે સમય આપ્યો ન હોવાથી રદ કરવી જોઈએ. પરંતુ ચાલાક વી.પી. વૈષ્ણવ અહીં પોતાની વાતમાં જ ફસાઈ ગયા છે.
ખાસ નોંધનીય છે કે, જ્યારે પણ ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યારે કોર્પોરેશન ત્યાં હાજર જવાબદાર વ્યક્તિ એટલે કે કામ કરાવનાર માલિક, સંચાલક કે પછી તે કામનો કોન્ટ્રાક્ટ રાખનારને નોટિસ આપતી હોય છે. માલિકી હક્ક ચકાસીને નોટિસ આપવાની સત્તા કે જવાબદારી મનપાની હોતી નથી. ભાવેશભાઈ નામની વ્યક્તિ એ બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને કડિયા હતા જેની કબૂલાત વી.પી. વૈષ્ણવે કરેલી છે અને એફિડેવિટમાં ઉલ્લેખ કરેલો છે કે આ નોટિસ ભાવેશભાઈના નામની છે પણ મિલકત તેમની છે અને તેથી જ તેઓ સોગંદનામું કરી રહ્યા છે. આમ છતાં ફેરવી તોળીને હવે ભાવેશભાઈ કોણ છે તે ખબર નથી તેવું કહી રહ્યા છે. આમ, યાજ્ઞિક રોડે સ્કેચર્સના શો રૂમની આડમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેનારા વી.પી. વૈષ્ણવ આજે નહીં તો કાલે કાયદામાં ચક્રવ્યૂહમાં ફસાશે અને તેઓને બિનઅધિકૃત બાંધકામ દૂર કરવું પડશે એવું સ્પષ્ટ જણાઈ આવે છે.
કોઈની શેહશરમ વગર યોગ્ય કાર્યવાહી થશે: જયમિન ઠાકર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એક સમયે દયાની ભીખ માંગનાર વી. પી. વૈષ્ણવે હવે કોર્પોરેશન વિરૂદ્ધ જ કોર્ટમાં જઈ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટિનાં ચેરમેન જયમિન ઠાકરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કોર્ટમાં અમે મજબૂત રીતે કોર્પોરેશનનો પક્ષ મૂકીશું, આ બાબતે કોઈની શેહશરમ રાખવામાં આવશે નહીં.’ વૈષ્ણવનું ગેરકાયદે બાંધકામ તોડી પડાય છે કે કેમ- એ બાબત જ સરકારની અને કોર્પોરેશનની પ્રતિબદ્ધતાનો પુરાવો આપશે.
રાજકોટ મહાનગરપાલિકાએ વૈષ્ણવને VVIP ટ્રીટમેન્ટ આપી હોવા છતાં RMC વિરૂદ્ધ જ વૈષ્ણવ કોર્ટમાં ગયા!
વી.પી. વૈષ્ણવે હળાહળ જુઠ્ઠાણું ચલાવ્યું કે 260(2)ની નોટિસ બાદ તેમને સાંભળવાની તક મળી નથી
મનપા દ્વારા ગત તા. 15-7-2024ના રોજ વી.પી. વૈષ્ણવની ગેરકાયદે બાંધકામ ધરાવતી બિલ્ડીંગને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 5-8-2024ના રોજ વી.પી. વૈષ્ણવે તેણે કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડશે એવું સોગંદનામું કરી સીલ ખોલાવી નાખ્યું હતું અને ફરી મનપામાં તા. 10-9-2024ના રોજ અરજી કરી નિયમ મુજબ બાંધકામ કરવા વધુ 5 મહિનાની મુદત માગી હતી. આ દરમિયાન મનપાની નોટિસ અને સોગંદનામા મુજબ વી.પી. વૈષ્ણવે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની જગ્યાએ તે જગ્યા પર ક્ધસ્ટ્રક્શનનું કામકાજ આગળ વધારી સ્કેચર્સ કંપનીનો શો રૂમ શરૂ કરવાનું નક્કી કરી લીધું છે. આ અંગે વી.પી. વૈષ્ણવે જુઠ્ઠાણું ચલાવ્યું છે કે 260(2)ની નોટિસ બાદ તેમને સાંભળવાની તક મળી નથી. જોકે તે સળંગ જુઠ્ઠાણું છે કારણ કે નોટિસ આપ્યા બાદ વી.પી.એ કોર્પોરેશનમાં ભારે છેડા લગાવ્યા હતા. તેઓએ બાંધકામ નિયમ મુજબ કરવા યોગ્ય ફેરફાર કરવા માટે 1 મહિનાનો સમય માગ્યો હતો અને એફિડેવિટ કરાવ્યું હતું. જે એફિડેવિટને આધારે કોર્પોરેશને 6 મહિનાનો સમય આપી દીધો હતો. આ રીતે જોતા વી.પી. વૈષ્ણવના ગેરકાયદે બાંધકામને સલામત રાખવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ બેફામ મદદ કરી છે છતાં તેણે અરજીમાં લખ્યું છે કે સમય આપ્યો નથી.
કોર્પોરેશનને સોગંદનામું કરી આપનાર વૈષ્ણવ કહે છે: ‘મારા નામની નોટિસ જ નથી!’
વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવ (વી. પી. વૈષ્ણવ) જેવા ખોટ્ટાડા લોકો હજ્જારોમાં એક જ જોવા મળે. આ ગેરકાયદે બાંધકામ બદલ તેમને ત્રણ-ત્રણ વખત નોટિસ અપાઈ છે. જેની સામે બાંધકામ બચાવવા તેમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમણે સોગંદનામું પણ એ ગેરકાયદે બાંધકામ હટાવવા કર્યું હતું. પરંતુ હાઈકોર્ટમાં તેઓ જૂઠું બોલવા ગયા ત્યારે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
ગેરકાયદે બાંધકામને મનપાએ છાવર્યું છતાં નોટિસ રદ્દ કરવા મનપા સામે જ વી.પી. વૈષ્ણવ કોર્ટમાં ગયા!
2016માં ઈમ્પેક્ટ કાયદાનો લાભ લઈ વી. પી. વૈષ્ણવે ચાલાકીપૂર્વક યાજ્ઞિક રોડ પર આવેલા એક ખંડેર મકાનમાં ઈમ્પેક્ટ મંજૂર કરાવ્યું હતું. ત્યારબાદ છેક 2022-23માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું અને મનપાએ એ બાંધકામને વાંરવાર નોટિસ આપી સીલ કર્યા બાદ પણ તેણે એ બાંધકામમાં સોગંદનામું રજૂ કરી સીલ ખોલાવી ગેરકાયદે બાંધકામ તોડવાની જગ્યાએ ફરી આગળનું બાંધકામ શરૂ કરી દીધું છે. ત્યારબાદ વી.પી. વૈષ્ણવે કોર્ટમાં દાવો નાખ્યો હતો કે, 260(2)ની નોટિસ તેમની બિલ્ડિંગને 1-9-2023ના અપાઈ હતી. જોકે નોટિસમાં ભાવેશભાઈ લખેલું હતું જેને તેઓ ઓળખતા નથી. નોટિસ તેમના નામજોગ અપાઈ ન હોવાથી તેમજ સાંભળવા માટે સમય આપ્યો ન હોવાથી રદ કરવી જોઈએ. જેની સામે કોર્પોરેશનના વકીલે જણાવ્યું છે કે, 21 માર્ચે કોર્પોરેશને નોટિસ આપીને જવાબ આપવા સમય આપ્યો જ છે. તેમને જવાબ આપવો હોય તો 15 દિવસ છે. જેને લઈને કોર્ટે પણ કહ્યું છે કે, સાંભળવા માટે 15 દિવસનો સમય અપાયો છે તેથી પહેલા અરજદારે કોર્પોરેશનને જવાબ આપવો.
સ્કેચર્સ કંપનીને તોતિંગ ખર્ચ માથે પડશે?
યાજ્ઞિક રોડ પર વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવે કોઈ જાતનાં ડર વગર ગેરકાયદે બાંધકામ ખડકી તો નાંખ્યા છે પરંતુ જો આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે તો સ્કેચર્સ કંપનીને તમામ ખર્ચ માથે પડશે. આ ગેરકાયદે બાંધકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે અને તેનાં સાજ-શણગાર પાછળ પણ કંપનીએ ખર્ચ કર્યાંનું જાણવા મળ્યું છે. શું આ ખર્ચ માથે પડશે?