GST-વેટ વસુલાતમાં 20%ની વૃદ્ધિ: રિટર્ન કમ્પ્લાયન્સ તથા આંતરરાજ્ય ઈ-વે બિલ જનરેશનમાં દેશભરમાં પ્રથમ સ્થાને
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળ બાદ ગુજરાતમાં વેપારધંધા નોર્મલ થઈ જ ગયા હતા અને ત્યારબાદ અમેરિકા-યુરોપીયન દેશોમાં આર્થિક સ્લોડાઉન છતાં રાજયમાં અર્થતંત્રને ખાસ અસર ન હોય તેમ કરવેરાની આવક વધી જ રહી છે. ગુજરાતમાં જીએસટી-વેણની વાર્ષિક આવક પ્રથમ વખત 1 લાખ કરોડને પાર થઈ છે અને સરેરાશ 20 ટકાનો વધારો સૂચવે છે. દેશમાં 2022-23નુ નાણાકીય વર્ષ પુર્ણ થયુ છે. નાણાંવર્ષના અંતિમ દિવસના પ્રાથમીક આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ગુજરાતની જીએસટીની વાર્ષિક આવક 65746 કરોડ તથા વેટની 38037 કરોડ થઈ છે. બન્નેનો સરવાળો કરાતા 103783 કરોડ થવા જાય છે. ગત વર્ષે જીએસટીની આવક 56644 કરોડ તથા વેટની 30158 કરોડ મળીને કુલ 86802 કરોડ હતી.
- Advertisement -
આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ જીએસટી-વેટની આવકમાં સરેરાશ 20 ટકાનો વધારો થયો છે. ગુજરાતે ચાલુ નાણાવર્ષમાં પ્રથમ વખત જીએસટી-વેટ પેટે 1 લાખ કરોડથી વધુની આવક મેળવવાની સિદ્ધિ મેળવી છે. ગુજરાત સરકારના સૂત્રોએ કહ્યું કે રાજય સમગ્ર દેશમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે અને ઔદ્યોગીક રાજય તરીકેની ગણના પામે છે.
કરોડો રૂપિયાના નવા રોકાણ સાથે નવા ઉદ્યોગો કાર્યાન્વિત થઈ રહ્યા છે એટલે દેખીતી રીતે ટેકસ આવકમાં વધારો નિશ્ચીત છે. સૂત્રોના કહેવા પ્રમાણે જીએસટી-વેટ કલેકશનમાં 20 ટકા જેવો નોંધપાત્ર વૃદ્ધિદર ધરાવવામાં ગુજરાત કદાચ દેશનું નંબર વન રાજય ઘોષિત થઈ શકે છે. જો કે નાણાંવર્ષ હજુ ગઈકાલે જ પુર્ણ થયું છે એટલે વાસ્તવિક આંકડા આવવામાં હજુ સમય લાગી શકે છે.