ગુજરાત સરકારની ચિંતન શિબિર આવતીકાલથી કેવડિયા ખાતે યોજવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે.
GSRTCની બસમાં કેવડિયા પહોંચશે અધિકારીઓ
કેવડિયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર આવતીકાલથી ત્રણ દિવસ એટલે કે 19થી 21 સુધી યોજાશે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ GSRTCની વોલ્વો બસ મારફતે કેવડિયા ખાતે પહોંચશે. આવતીકાલે બપોર પછી આ ત્રણ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવશે.
- Advertisement -
મુખ્ય 5 વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે
આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. ચિંતન શિબિરમાં શિક્ષણ, જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચા સત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે.
કેન્દ્રના અધિકારીઓ પણ આપશે માર્ગદર્શન
આ ઉપરાંત આ ચિંતન શિબિરમાં કેન્દ્ર સરકારના સિનિયર અધિકારીઓ માર્ગદર્શન આપશે. હસમુખ અઢિયા પણ અલગ-અલગ વિષયો પર માર્ગદર્શન આપશે. રાત્રિ દરમિયાન અધિકારીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્મદા આરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, રિવર રાફ્ટિંગ તેમજ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે.
230 જેટલા લોકો ચિંતન શિબિરમાં રહેશે હાજર
કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશનરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો જોડાશે.