છ મહિનામાં નેચરલ ગેસનો બમણો ભાવ થતા ઉત્પાદન ખર્ચ વધ્યો
પ્રોપેન ગેસ નેચરલ ગેસ કરતાં 17 રૂપિયા સસ્તો !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વભરમાં સિરામિક ક્ષેત્રમાં અલગ ઓળખ ઉભી કરનાર મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા 8 થી 10 મહિનામાં ખુબ ઝડપથી ગેસના ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને યુક્રેન યુદ્ધ બાદ તો અગાઉની સરખામણીમાં બમણા ભાવે નેચરલ ગેસ લેવાની ફરજ પડી હતી જેના કારણે સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ખુબ વધારે ખર્ચાળ બનતા ઉદ્યોગકારો અવારનવાર ભાવ ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા હતા જો કે ગુજરાત ગેસ દ્વારા યોગ્ય ભાવ ઘટાડો આપવામાં ન આવતા બીજા વિકલ્પ તરફ વળવા ઉદ્યોગકારો મજબુર બન્યા હતા જે બાદ મોરબીના ઉદ્યોગકારો પ્રોપેન ગેસના ઉપયોગ તરફ વળ્યા છે.
છેલ્લા 6 મહિનામાં 100 જેટલા યુનિટમાં પ્રોપેન ગેસનો વપરાશ શરુ કરવામાં આવ્યો હતો. આ ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ વપરાશનો અનુભવ સારો રહેતા ધીમે ધીમે બીજા ઉદ્યોગકારો તેમના તરફ વળ્યા છે. હાલમાં મોરબીની ફેકટરીઓમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જે નેચરલ ગેસ કરતાં સસ્તો પડી રહ્યો છે જેથી કરીને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગકારોના મતે મોરબીમાં ટેક્સ સાથે નેચરલ ગેસ જે ભાવે આપવામાં આવે છે તેના કરતાં પ્રોપેન ગેસ સરેરાશ 17 રૂપિયા સસ્તો પડી રહ્યો છે જેથી કરીને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને જો સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો માલની પડતર કિંમત નીચી આવે છે જેથી કરીને નેશનલ અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ ઓક્સીજન સમાન બની રહ્યો છે.
મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને પહેલા 100 જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યારબાદ વધુ 50 કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે. આમ કુલ મળીને 150 કારખાનામાં જુલાઈ માહિનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો હવે વધુ 80 કારખાનામાં આગામી દિવસોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે જેથી આગામી દિવસોમાં કુલ 230 કરતાં વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ ચાલુ કરવાની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.