યુદ્ધના કારણે કતારથી સપ્લાય ઠપ્પ થતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર મોટી અસર અને ભાવવધારાની પ્રબળ શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.05
- Advertisement -
ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય આક્રમણને પગલે ખાડીના દેશો યુદ્ધના મેદાનમાં ફેરવાતા ભારત માટે ઉર્જા સંકટ ઊભું થયું છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર હેઠળ રાજ્યની સૌથી મોટી ગેસ સપ્લાયર કંપની ’ગુજરાત ગેસ’ દ્વારા કાનૂની જોગવાઈ હેઠળ ’ફોર્સ મેજ્યોર’ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 6 માર્ચથી ગેસનો પુરવઠો તેની ઉપલબ્ધતા મુજબ જ પૂરો પાડવામાં આવશે. ભારતની એલએનજી જરૂરિયાતનો 40% પુરવઠો પૂરો પાડતા કતારના ઉત્પાદન એકમો બંધ થતા ભારતને મળતો ગેસ સંપૂર્ણપણે અટકી ગયો છે. વધુમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પ્રભાવિત થયો છે અને ભારતના ગેસ ટેન્કરો હોર્મુઝની ખાડીમાં ફસાઈ ગયા છે. આ વૈશ્વિક અસ્થિરતાને કારણે ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાની સાથે વીમા અને શિપિંગ ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ મોરબીના સિરામિક એકમો જે ગેસના સૌથી મોટા વપરાશકારો છે, તેમના પુરવઠામાં 50% નો મોટો કાપ ઝીંકાયો છે. જોકે રાંધણગેસ એ અનિવાર્ય જરૂરિયાત હોવાથી રહેણાંક વિસ્તારોના પીએનજી સપ્લાય પર હાલ કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
ગૃહિણીઓને મુશ્કેલી ન પડે તે માટે કંપનીએ રિઝર્વ જથ્થો અકબંધ રાખ્યો છે. તેવી જ રીતે જનજીવન અને ટ્રાન્સપોર્ટેશન ન ખોરવાય તે માટે સીએનજી પંપો પરનો પુરવઠો પણ હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે હાલ દેશ પાસે 30 દિવસનો એલપીજી સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી 2 થી 6 મહિના સુધી ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા રહેવાની શક્યતા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ગેસ કંપનીઓના સંગઠને કેન્દ્ર સરકારને પત્ર લખીને પુરવઠાની ઉપલબ્ધતા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. ’ફોર્સ મેજ્યોર’ એ એક એવી કાનૂની સ્થિતિ છે જેનો ઉપયોગ કંપનીઓ ત્યારે કરે છે જ્યારે યુદ્ધ જેવી અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે તેઓ કરાર મુજબ સેવા પૂરી પાડવામાં અસમર્થ હોય. આ નોટિસનો અર્થ એ છે કે કંપની હવે ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ નહીં પરંતુ ઉપલબ્ધ જથ્થા મુજબ જ ગેસ આપી શકશે. ગુજરાતમાં ગેસનો સૌથી વધુ વપરાશ મોરબીના સિરામિક ઉદ્યોગમાં થાય છે, જ્યાં 50% કાપને કારણે ઉત્પાદન ખર્ચ વધશે અને અનેક એકમોને આંશિક બંધ રાખવાની નોબત આવી શકે છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીના વૈશ્વિક નિકાસ બજાર પર પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે.
રશિયાની મજબૂત મિત્રતા: ભારતને 9.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ તાત્કાલિક આપવા રશિયા તૈયાર
ભારતમાં ઊર્જા પુરવઠો ખોરવાય તેવી સ્થિતિ વચ્ચે રશિયા ફરી એકવાર સંકટ સમયના સાથી તરીકે મદદે આવ્યું છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી ભૌગોલિક કટોકટી અને જળમાર્ગો બંધ થવાની ભીતિને પગલે ભારતની ઊર્જા સુરક્ષા જોખમાઈ હતી, ત્યારે રશિયાએ તાત્કાલિક 9.5 મિલિયન બેરલ ક્રૂડતેલ આપવાની ખાતરી આપી છે. વિશેષ વાત એ છે કે આ તેલના ટેન્કરો હાલ ભારતીય સમુદ્રી ક્ષેત્રની નજીક જ છે અને માત્ર એક સપ્તાહમાં ભારતીય બંદરો પર પહોંચી શકે તેમ છે. સૂત્રો મુજબ, આ જથ્થો અગાઉ ચીન માટે રવાના કરાયો હતો, પરંતુ ભારતની કટોકટી જોઈ રશિયાએ તેને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની રિફાઈનરીઓ રોજના 5.6 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે, ત્યારે રશિયાની આ ઓફર દેશના ઈંધણ પુરવઠાને સ્થિર રાખવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.



