ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
પુષ્ટિમાર્ગીય વલ્લભ સંપ્રદાયની પ્રધાનપીઠ, નાથદ્વારા સ્થિત શ્રીનાથજીની હવેલીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સપરિવાર દર્શન કરવા પહોંચ્યા હતા.
હર્ષ સંઘવીએ પોતાના પરિવારજનો સાથે શ્રીનાથજીની રાજભોગની ઝાંખીના દર્શન કર્યા હતા. દર્શન બાદ મહાપ્રભુજીની બેઠકમાં કૃષ્ણ ભંડારના અધિકારી સુધાકર ઉપાધ્યાયે તેમને ઉપરણું અને રજાઈ ઓઢાડીને તેમજ પ્રસાદ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળી પછી શરૂ થતા ગુજરાતી નૂતન વર્ષે દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતી વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. મેં પણ આ વખતે સપરિવાર નૂતન વર્ષ નિમિત્તે શ્રીનાથજીના આશીર્વાદ લીધા છે અને દેશ-પ્રદેશની પ્રગતિ અને ખુશહાલી માટે શ્રીનાથજી પાસે પ્રાર્થના કરી છે. તિલકાયત શ્રીના મુખ્ય સલાહકાર અંજનભાઈ શાહએ નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરી તેમને દર્શન કરાવ્યા હતા અને મંદિર તેમજ પુષ્ટિમાર્ગ વિશે માહિતી આપી હતી. શ્રીનાથજી મંદિર તરફથી નાયબ મુખ્યમંત્રીને ઠાકોરજીની પિછવાઈ (ચિત્ર) અને પ્રસાદ પણ ભેટ કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્ય પ્રશાસક ભારત ભૂષણ વ્યાસ, સહાયક અધિકારી અનિલ સનાઢ્ય, સચિવ લીલાધર પુરોહિત, કૈલાશ પાલીવાલ, કલ્પિત જોષી, હર્ષ સનાઢ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



