ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલ ચરણસાળ ઘાટ પર માલેગાંવ-સુરત ગુજરાત રાજયની બસ ચરણમાળ ઘાટમાં સવારે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડકટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી મુજબ ચરણમાળ ઘાટ ખાતે સાયોલીયા વણોડામાં બસની એકસલ તૂટી ગયા બાદ બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જે બાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી. બસમાં સવાર તમામ લોકોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. લોકો ઘબરાયને બુમાબુમ કરી મુકી હતી. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. એક પથ્થરને કારણે બસ અટકી ગઈ હતી અને ગંભીર બનાવ બનતો અટકી ગયો હતો. બસ ખાણમાં લટકી ગયા બાદ ગામના લોકો તેમજ આસપાસના લોકોએ એકઝીટ બારીમાંથી મુસાફરોને હેમખેમ બહાર કાઢયા હતા. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયેલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર 20 મુસાફરોને ઈજા પહોંચી હતી.