આવતીકાલથી ફરીવાર વડાપ્રધાન મોદી તારીખ 23 અને 24 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાત અને પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં જનસભાને સંબોધશે.
ગુજરાતની ચૂંટણીને આડે હવે માત્ર આઠ જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યા બાદ હવે PM મોદી મધ્ય ગુજરાતમાં જંગી જનસભાઓ સંબોધશે.
- Advertisement -
આવતીકાલથી વડાપ્રધાન મોદી ફરીવાર બે દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી મધ્ય ગુજરાતમાં તારીખ 23 નવેમ્બરના રોજ મહેસાણા, દાહોદ અને વડોદરામાં જંગી જનસભાઓને સંબોધન કરશે જ્યારે 24 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી પાલનપુર, દહેગામ અને અમદાવાદ ગ્રામ્યમાં જનસભા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર ગુજરાતને ઘમરોળશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ તારીખ 19-20 અને 21ના રોજ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યુ હતું. વડાપ્રધાન મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગર અને નવસારીમાં જંગી જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નાથી, વિકાસના કામોની ચર્ચા કરો. વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા.’
- Advertisement -
આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: વડાપ્રધાન મોદી
વધુમાં કહ્યું હતું કે, હું ઝાલાવાડમાં હેલિકોપ્ટરમાંથી ઉતર્યો કે તુરંત જ સંતોએ મને આશીર્વાદ આપ્યા, તે મારું સૌભાગ્ય છે અને હું સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય, ગુજરાતમાં આ વખતે મગફળીમાં ખેડૂતોને શું ભાવ મળ્યા! આશીર્વાદ આપજો અમને આશીર્વાદ આપજો, આ પદ માટે યાત્રા કરનારાઓને તો કપાસ અને મગફળીમાં અંતર જ ખબર નહીં હોય. બહારથી આવેલા લોકોને ખબર જ નથી.’
આજે જ્યાં-જ્યાં નજર પડે ત્યાં-ત્યાં કેસરિયા સાગર દેખાય છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું હતું કે, ‘જેમને ભારતના લોકોએ પદ પરથી હટાવી દીધા છે, તેવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યાં છે પણ જેમને ગુજરાતને તરસ્યું રાખ્યું અને એવા નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને પદયાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા આપવાની છે. સુરેન્દ્રનગરમાં આજે જ્યાં-જ્યાં નજર પડે ત્યાં-ત્યાં કેસરિયા સાગર દેખાય છે.’
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાન થશે. પહેલાં તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. તમામ 182 બેઠકો માટે 8મી ડિસેમ્બરે મતગણતરી અર્થાત ચૂંટણી પરીણામની જાહેરાત થશે.