મતદાનની ટકાવારી વધારવા જિલ્લા વહીવટીતંત્રએ પ્રથમ વખત જિલ્લાની તમામ બેઠકમાં એનિમલ બૂથ કાર્યરત કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ મતદાનની ટકાવારી વધારવા માટે સરકાર અને વિવિધ સહકારી સંસ્થાઓએ અનેક પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ તરફ હવે ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર જૂનાગઢમાં મતદાનની ટકાવારી વધારવા જિલ્લા વહીવટીતંત્રએ પ્રથમ વખત જિલ્લાની તમામ બેઠકમાં એનિમલ બૂથ કાર્યરત કર્યું છે. જેમાં મતદાતાઓ પહેલાં પોતાના પશુનું ચેકઅપ અને સારવાર કરે છે. જે બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 5 જેટલા એનિમલ બુથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં મતદારો પોતાના પાલતુ પ્રાણીઓને સાથે લઈને આવ્યા છે. એક તરફ પ્રાણીઓની સારવાર અને રસીકરણ થઈ રહ્યું છે બીજી તરફ પશુપાલકો મતદાન કરી રહ્યા છે. જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના માખીયાળા ગામ કે જ્યાં પશુઓ લઈને મતદારો આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન ચાલુ છે. જેમાં મતદાનનો સમય સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધીનો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 39 રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. તો વળી આજે 2,39,76,670 મતદારો મતદાન કરશે. જેમાં 1,24,33,362 પુરૂષ મતદારો, 1,15,42,811 મહિલા મતદારો અને 497 અન્ય મતદારો મતદાન કરશે.