કુરિયર આપવાનાં બહાને વૃદ્ધાની સોનાની માળા ઝુંટવી હતી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ગીતાનગરમાં થયેલી ચિલઝડપનો ભેદ ઉકેલાયો છે. સી ડીવીઝન પોલીસે વડોદરાનાં શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સે ગુજરાત અને રાજસ્થાનમાં 30 ચિલઝડપ કર્યાનું કબુલાત આપી છે.જૂનાગઢની ગીતા નગર સોસાયટી, લાલબાગ પાછળ રહેતા મધુબેન કાન્તીભાઈ વેકરીયાનાં ગળામાંથી સોનાની માળાની જુંટ મારી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.આ અંગે સી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં સી-ડિવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી અને ગુના શોધક શાખાનાં સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રાજકોટ તરફ હોવાની માહિતી મળતા તેને ઝડપી લઇ તેની પાસેથી સોનાની માળા 30 હજાર, મોટર સાયકલ 30 હજાર અને મોબાઇલ ફોન 10 હજારનો કબજે કર્યો હતો. આરોપી કિશોર ઉર્ફે અજય મોહન પુજાભાઇ માછી વડોદરાવાળ સામે ગુજરાત અને રાજસ્થાનમાં ચિલઝડપનાં 30 ગુના નોંધાયા છે.પકડા યેલો કિશોર ઉર્ફે અજય માછી અલગ અલગ શહેરમાં જઇ રેકી કરતો હતો. કોઇ પણ મકાનની આજુબાજુમાંથી તપાસ કરી મકાન માલીકનાં નામ મેળવી લેતો હતો. બાદ તેના નામનું ખોટું કુરિયર બનાવી કુરિયર આપવા માટે જતો હતો. કુરિયર લેવા માટે કોઇ સીનીયર સીટીઝન આવે તો ગુનાને અંજામ આપતો હતો.
જૂનાગઢમાં પાંચ દિવસ પહેલા આવ્યો, 8 જગ્યાએ કુરિયર આપવા ગયો
પોલીસે આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં આવ્યો હતો. અને જુદી જુદી આઠ જગ્યાએ કુરિયર આપવા માટે ગયો હતો. પરંતુ કોઇ સીનીયર સીટીઝન કુરિયર લેવા માટે આવ્યાં ન હોય ચિલઝડપ થઇ ન હતી.