રાજ્યમાં સ્ટેટ GST-પોલિસના મેગા ઓપરેશન દરમિયાન કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચરતાં હોવાનો ઘટસ્ફોટ
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરાઇ છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી વધુ પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જોકે આ પેઢીઓમાં તપાસ દરમિયાન અધધધ…. 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન હાથ લાગ્યા છે. જોકે અનેક જગ્યાએ તપાસ દરમ્યાન પણ કેટલાક કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચરતાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
- Advertisement -
રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડને લઈ હવે SGST વિભાગે પોલીસ સાથે મળીને અભિયાન હાથ ધર્યું છે. જેમાં અલગ-અલગ જગ્યાએ તપાસ દરમિયાન 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. જોકે અહી સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે, મોટાભાગના કૌભાંડી તત્વોએ નવી મોડસ ઓપરેન્ડી મુજબ આ કૌભાંડ આચર્યું હતું.
કેવી રીતે ઊભી કરતાં હતા બોગસ પેઢી ?
વિગતો મુજબ કૌભાંડીઓ દ્વારા આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઇલ નંબર બદલીને તેમના નામે પેઢીઓ ઊભી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આઠ મહિનામાં 1500 આધારના મોબાઇલ નંબર બદલાવામાં આવ્યા છે અને તેના આધારે 470 GST રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા.
4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન પણ ધરપકડ નહીં
SGSTની ટીમ અને પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે તેવી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ કાર્યવાહીઓ દરમિયાન હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. તો વળી હવે વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, શંકાસ્પદોની ઓળખ થઈ છે અને ટૂંક જ સમયમાં FIR દાખલ કરવામાં આવશે.
- Advertisement -
આધાર કાર્ડ સેન્ટરથી જ નંબર બદલી આચર્યું કૌભાંડ
વિગતો મુજબ આ વખતે કૌભાંડીઓએ પણ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. જેમઆઆ કૌભાંડીઓએ સીધા આધાર કાર્ડ સેન્ટર પરથી જ મોબાઇલ નંબર બદલી નાંખ્યા હતા. જેથી જે તે માહિતી આવે તે કૌભાંડીના નંબર પર જ આવે. સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલાં વ્યક્તિના મોબાઇલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવાતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ડમી નામે બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હતા. આ તરફ જેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થયો તેમના સ્ટેટમેન્ટ લેવાતા ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, કોઈને જાણ પણ નહોતી કે તેમના આધારનો ઉપયોગ કરાયો છે.
સુરતમાં જ 2770 કરોડનું બોગસ ટ્રાન્ઝેકશન
રાજ્યમાં કુલ 112 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળતાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. અમદાવાદમાં 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.