જાન્યુઆરીથી માર્ચમાં 16 ટકા લોકોએ ‘હોલીડે લોન’ લીધી હતી, એપ્રિલથી જુનમાં પ્રમાણ વધીને 24 ટકા: રસપ્રદ સર્વે
ખાસ-ખબર સંવાદદાતા
દેણુ કરીને ઘી પીવાની પ્રચલીત ગુજરાતી કહેવતને લોકો હવે ઝડપથી અનુસરવા લાગ્યા હોય તેમ પાંચમાંથી એક વ્યકિતએ પ્રવાસ માટે લોન લીધી હતી. ઓનલાઈન લોન પ્લેટફોર્મ પૈસાબાજાર દ્વારા કરવામાં આવેલા સર્વે અંતર્ગત ગત જાન્યુઆરીથી જુન મહિના દરમ્યાન લોન લેનારા પાંચમાંથી એક વ્યકિતએ પ્રવાસનું કારણ દર્શાવ્યુ હતું.
- Advertisement -
આ ટ્રેન્ડ સતત વધી રહ્યો હોય તેમ જાન્યુઆરીથી માર્ચનાં ત્રણ માસમાં વેકેશન-પ્રવાસ લોનનું પ્રમાણ 16 ટકા હતું તે એપ્રિલથી જુનમાં વધીને 24 ટકાએ પહોંચ્યુ હતું. સર્વે હેઠળ આવરી લેવાયેલા લોકો પૈકી 21 ટકાએ એમ કહ્યુ કે વેકેશન માટે લોન મેળવી હતી.જયારે 31 ટકા લોકોએ એમ કહ્યું કે લોનનું કારણ મકાનનું સમારકામ હતું. પ્રવાસ લોન પછીના કમે 10 ટકા લોકોએ ક્રેડીટ કાર્ડની ચડત રકમ ચુકવવા ધીરાણ મેળવ્યુ હતું.જયારે 9 ટકા લોકોએ તબીબી સારવાર માટે ધીરાણ લીધુ હતું. અન્ય 29 ટકા લોન ધારકોએ લગ્નપ્રસંગ, બાળકોના શિક્ષણ કે ધંધાદારી જરૂરીયાત માટે ધિરાણ મેળવ્યુ હતું. વ્યકિતગત લોનમાં સૌથી વધુ ધિરાણ ઘર ખરીદી માટે થયુ હતું.
આ સિવાય મીલકત સામે લોન તથા ઓટો-શિક્ષણ લોનનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું હતું.સર્વેનાં તારણો પ્રમાણે પગારદાર વર્ગમાં પ્રવાસ લોન લેવાનું પ્રમાણ વધુ છે. આ પ્રકારની લોન લેનાર 74 ટકા લોકો નોકરીયાત હતા. જયારે 14 ટકા વ્યવસાયીક અને 12 ટકા વેપારી હતા. પ્રવાસ લોન મેળવનારા લોકોએ મોટાભાગે દુબઈ, થાઈલેન્ડ, યુરોપ, ગોવા, હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડનો પ્રવાસ કર્યો હતો.
સર્વેમાં એવુ પણ માલુમ પડયુ હતું કે સ્કુલ-કોલેજોમાં રજાના સમયે પ્રવાસના આયોજનો વધુ થાય છે. એટલે વેકેશન લોનની સૌથી વધુ 2023 ના પ્રથમ છ મહિનામાં જ જણાઈ હતી. પૈસાબાઝારનાં સીઈઓ નવીન કુકરેજાએ કહ્યું કે છેલ્લા કેટલાંક સમયથી વેકેશન-પ્રવાસ જેવી લોન મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.લોકો-ગ્રાહકોનો ભરોસો પણ વધ્યો છે. દેશના સર્વાંગી અર્થતંત્ર માટે તે સારી જ વાત છે.