નજીવી બાબતે થયેલી અથડામણમાં બે મહિલા સહિત સાત ઈજાગ્રસ્ત, સામસામી ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઈડીસી સુધી લારીઓ ગોઠવાઈ જતી હોય છે તે દરમીયાન બપોરના સમયે રોડ પર લારી રાખવા અને તેના પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી અને વાત એટલી વધી ગઈ કે બે જૂથ વચ્ચે ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે મારામારી થઈ હતી. આ ઘટનામાં બે મહિલા સહીત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે જેમાં એકપક્ષે બળજબરીથી લારી ગલ્લાવાળા પાસે નાણાંની ઉઘરાણી કરવા મામલે તેમજ સામાપક્ષે છેડતી અને જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ નોંધવાઈ છે.
- Advertisement -
આ મારામારીના બનાવમાં ગેરેજ સંચાલક દશરથભાઈ રઘુભાઈ માકાસણાએ આરોપી અજયભાઇ ચૌહાણ, અજયભાઇના પત્નિ અને અજયભાઇના બહેન વિરુદ્ધ રફાળેશ્વર મેળામાં ખાણીપીણીની લારીઓવાળા પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે ઝઘડો કરી જીવલેણ હથિયારો વડે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે સુનિતાબેન ખીમજીભાઇ પરમારે આરોપી અંતિમસિંહ, અંતિમસિંહના ભાઇ, કટીંગ ટાઇલ્સના કારખાનાવાળા ભરવાડ, ગેરેજવાળા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઇ અજયભાઈએ રફાળેશ્વર મેળા દરમિયાન પાર્કીંગ પોઈન્ટ રાખેલ હોય જેમાં વાહનો પાર્ક કરવામાં મગફળીની લારી તથા પાણીપુરીની લારીઓ અડચરણરૂપ થતી હોય જે લારીઓ ખસેડવા કહેતા ગેરેજવાળા પટેલભાઈને સારૂ નહીં લાગતા ઝઘડો કરી અન્ય આરોપીઓને બોલાવી જાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી અજયને માથામાં ફેકચર જેવી ગંભીર ઇજા કરી ફરિયાદીને શારીરીક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે એટ્રોસિટી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.