ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
રાજ્ય સરકાર દ્વારા 9મી નવેમ્બરથી સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર નજીક આવેલા ડુંગરપુર/ખડિયા ખાતે ખરીદ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં નોંધાયેલા 5,000 કરતાં વધારે ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં મગફળીના સેમ્પલ કરવાથી લઈને ખરીદ કરીને તેને નિર્ધારિત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, જે પ્રક્રિયા અંદાજિત એકથી દોઢ મહિના સુધી ચાલે તેવી શક્યતાઓ છે.
- Advertisement -
આ વર્ષે સરકારે પ્રતિ 20 કિલોએ રૂ. 1,452ના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. હાલમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ આશરે રૂ. 1,200 મળી રહ્યા છે, જેની સરખામણીએ સરકાર દ્વારા પ્રતિ 20 કિલોએ રૂ. 252 વધારે મળી રહ્યા છે. ખરીદ સેન્ટર પર મગફળીની ખરીદી સરકારી ધારા ધોરણો મુજબ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને બિનજરૂરી રીતે તમામ મગફળી લઈને આવવાની જરૂરિયાત રહેતી નથી. પ્રથમ, ખેડૂત પોતાની મગફળીનું સેમ્પલ ખરીદ સેન્ટર પર લાવીને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ધારા ધોરણો મુજબ તપાસણી કરાવે છે અને પાસ થયા બાદ જ મગફળી વેચાણ માટે લાવી શકે છે.
સરકાર દ્વારા નક્કી કરાયેલા મુખ્ય માપદંડોમાં જાડી મગફળીમાં 65 ટકા અને ઝીણી મગફળીમાં 70 ટકા, ભેજનું પ્રમાણ 8 ટકા નિર્ધારિત કરાયું છે. વિદેશી અશુદ્ધિઓનું પ્રમાણ (જાડી અને ઝીણી) 2 ટકા, તૂટેલા સીંગદાણાનું પ્રમાણ 2 ટકા, ચિમળાયેલા સીંગદાણાનું પ્રમાણ પ્રતિ 135 ગ્રામ 4 ટકા, અન્ય પ્રકારના મિશ્રણનું ધોરણ 4 ટકા આ ધારા ધોરણોથી વધારે ટકાવારી ધરાવતી મગફળી ટેકાના ભાવે વેચી શકાશે નહીં. જોકે, તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીમાં થોડું ભેજનું પ્રમાણ આવી રહ્યું હોવાથી ખેડૂતો ચિંતા અનુભવી રહ્યા છે. સાથે જ, ખેડૂતો આજે પણ સરકાર દ્વારા 125 મણની જગ્યાએ 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.



