રાષ્ટ્રવ્યાપી તિરંગાયાત્રાની શૃંખલા રૂપે રાજકોટના બહુમાળી ભવન ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરીજનો દેશભક્તિના સથવારે સહભાગી બન્યા હતા.
બહુમાળી ચોક ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ તિરંગા યાત્રામાં સામેલ થનાર દેશપ્રેમી નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તિરંગાની તાકાત અનુભવવાનો અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાનો આ રાષ્ટ્રભક્તિ સભર અવસર છે. ગુલામીની બેડીમાંથી દેશને આઝાદી અપાવનાર લાખો સ્વાતંત્ર્ય વીરોની બલિદાન ગાથાને અંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-દર્શન હેઠળ સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે, એ બાબત તિરંગાની તાકાત પ્રદર્શિત કરે છે. યુક્રેન અને સુદાનની આપત્તિ વખતે તિરંગાની શક્તિ ઉજાગર થતી સમગ્ર વિશ્વએ નિહાળી છે, ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સૌ કોઈ માટે ગૌરવનું પ્રતીક બની રહે, તેવી શુભેચ્છાઓ મંત્રી ભાનુબેને વ્યક્ત કરી હતી અને આઝાદી માટે લડત આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્ય વીરોને નત મસ્તકે વંદન કર્યા હતા.
- Advertisement -
મેયર પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં તિરંગા યાત્રામાં સ્વાભિમાન સાથે સામેલ થનાર સૌ કોઈને આવકાર્યા હતા અને તિરંગામય બનેલ રાજકોટની પ્રજાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, હિંમત માટેનો કેસરી રંગ, શાંતિ માટેનો સફેદ રંગ અને પ્રગતિ માટેનો લીલો રંગ સૌ કોઈ રાજકોટવાસીઓના જીવનમાં સદા ફેલાતા રહે, એવી આઝાદીના પૂર્વ પ્રભાતે સૌ કોઈને શુભકામનાઓ પાઠવું છું.
- Advertisement -
બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી એક કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા ચૌધરી હાઇસ્કુલ થઈ જયુબેલી ચોક ખાતે સંપન્ન થઈ હતી જ્યાં મહાત્મા ગાંધીને પ્રતિમાને આમંત્રિતોએ પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા.
તિરંગા યાત્રાના મોખરે બાઈક પર ફાયર અને પોલીસના જવાનો બાદ ઘોડેસવાર જવાનો, પોલીસ બેન્ડ, મહાનુભાવો, પોલીસના જવાનો, ફાયર-એન.સી.સી.-એન. એસ. એસ. તથા સાઉથના છત્ર ક્રમાંક અનુસાર સામેલ થયા હતા. 100 ફૂટ લંબાઈના તિરંગા સાથે ફાયરના જવાનોએ તિરંગા યાત્રાને અનોખી ગરિમા બક્ષી હતી. સ્વામિનારાયણ ગુરુકુળ બેન્ડના જવાનો બાદ વિવિધ શાળા કોલેજના છાત્રો તથા શહેરીજનો આ તિરંગા યાત્રામાં હોશભેર જોડાયા હતા.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના સ્વાગત પ્રવચન બાદ આમંત્રિતોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું. તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તમામ મહાનુભાવોએએ બહુમાળી ચોક સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો મધુબેન લાખાણી, કેશવભાઈ ટોપીયા, હર્ષાબેન શાહ તથા સુશિલભાઈ ત્રિવેદીનું મહાનુભાવોના હસ્તે શાલ તથા પુસ્તક આપી સન્માન કરાયું હતું. સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા દર્ષીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તથા અનિલ ધામેલીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણી, વિવિધ ધર્મના ધર્મગુરુઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કોર્પોરેટરો, વિવિધ એસોસિએશનના પ્રમુખો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં દેશપ્રેમી શહેરીજનો આ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.