બેન્ડ-વાજા, નૃત્ય, મટકી ફોડ અને કૃષ્ણ ભક્તિથી શહેરમાં આનંદનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં 41મી જન્માષ્ટમી શોભાયાત્રાનું સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ શોભાયાત્રા બેન્ડ-વાજા, કથક નૃત્ય, નાસિક ઢોલ, ઝાબુર શીદી કારીગરી, રાસ મંડળી, ખેલકૂદ કરતો મંકિ મેન, આકાશમાં ઉડતા કાગળ ગન અને ટ્રેક્ટર ફલોટ સહિત અવનવી કૃતિઓ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. શોભાયાત્રા સંઘવી ચોક, સાઈબાબા મંદિર, મેઇન બજાર, ટાવર રોડ, હોસ્પિટલ ચોક વગેરે માર્ગો પરથી પસાર થઇ હઠીલા હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ભક્તોએ શ્રી કૃષ્ણના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અનેક સંસ્થાઓના આગેવાનો તથા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરભરમાં છાશ-સરબતના સ્ટોલો ગોઠવાયા હતા તેમજ મટકી ફોડ કાર્યક્રમમાં 20 મટકીઓ ફોડાઈ હતી. શહેર કૃષ્ણમય બની ગયું હતું અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી ના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ છલકાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં પીઆઇ એ.ડી. ચાવડાની સૂચના મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.