ખાસ-ખબર સંવાદદાતા
દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રિના દિવસે બપોરે 2 વાગ્યે કોઠારીયા રોડ રાજકોટ ખાતે આવેલા કમલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતેથી સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનો આરંભ થશે જેમાં સનાતન ધર્મના સાધુસંતો અને ભાવિક ભક્તો દ્વારા શિવ સ્તુતિ અને શિવ આરાધના કરવામાં આવશે.
મહાદેવની શાહી સવારીમાં મુખ્ય ધર્મરથમાં શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ, રામ ભગવાનના અયોધ્યા મંદિરની પ્રતિકૃતિનો રથ તેમજ મહાદેવના ગણ અને અઘોરીની ટીમ, ઘોડા, ઉંટ, સાસણ ગીરના પ્રખ્યાત આદિવાસી નૃત્ય એટલે કે સીદી બાદશાહની ધમાલ, ધ્રાંગધ્રાની પ્રખ્યાત રાસ મંડળી ડબલ ડેકર લાઈટીંગવાળી છત્રીઓ, નાના બાળકો શંકર-પાર્વતી અને સીતા-રામ અને હનુમાનજી બનીને રથયાત્રામાં જોડાશે. આ ઉપરાંત રાજસ્થાની ઢોલ અને નૃત્ય પણ જોવા મળશે. વિવિધ સંસ્થાઓના ફ્લોટ્સ, સામાજિક તેમજ ધાર્મિક સંદેશ આપતા વાહનોનો કાફલો, બાઈક પર ભગવા ધ્વજ લઈને સવાર યુવાધનની ફોજ તેમજ પગપાળા ચાલતા ભાવિકોનું ઘોડાપુર જેવા વિવિધ આકર્ષણો જોડાશે.
- Advertisement -
શિવ રથયાત્રા સમિતિના ભાવેશગીરી નટવરગીરી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, સુરેશગીરી શાંતીગીરી, મૌલિકગીરી અશ્ર્વિનગીરી, ભાવીકપુરી રાજેશપુરી, હરેશભારતી હસમુખભારતી, શક્તિપુરી રમેશપુરી, ફેનીશભારતી મુકેશભારતી, ગૌતમગીરી ચમનગીરી, અમીતગીરી રાજેશગીરી, મનિષગીરી મહેન્દ્રગીરી ‘ખાસ-ખબર’ કાર્યાલયની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા.