700થી વધુ ધારાશાસ્ત્રીઓએ એકસૂર પુરાવ્યો : પ્રમુખપદે સુરેશ ફળદુ સહિતના ઉમેદવારો જાહેર
સાંસદ રામ મોકરીયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહે જંગી બહુમતીથી પેનલને વિજયી બનાવવા આહ્વાન કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસીએશનની વર્ષ 2025-26ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર લીગલ સેલ પ્રેરિત અને સમાન વિચારધારા ધરાવતા સક્ષમ ધારાશાસ્ત્રીઓની “લીગલ સેલ સમરસ પેનલ” દ્વારા પ્રમુખપદે સુરેશ આર. ફળદુના નેજા હેઠળની આખી ટીમે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે પેનલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ગત તા. 29/11/2025 ના રોજ ટોગર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલ ખાતેના હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં ધારાશાસ્ત્રીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહ પ્રત્યક્ષ હાજર રહ્યાં હતાં. તેઓએ ઉપસ્થિત તમામ સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓને “લીગલ સેલ સમરસ પેનલ”ને પેનલ-ટુ-પેનલ મત આપીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી અને પેનલને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન “લીગલ સેલ સમરસ પેનલ” દ્વારા પ્રમુખ પદથી લઈ કારોબારી સભ્ય પદ સુધીના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા (પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. જ્યારે કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણાની પસંદગી કરવામાં આવી છે. કારોબારી સભ્ય (મહિલા અનામત) માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અને અલ્કાબેન પંડયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
લગ્નગાળાની સીઝન હોવા છતાં “લીગલ સેલ સમરસ પેનલ” ના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં સિનિયર-જુનિયર સહિત આશરે 700થી વધુ ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી. આ ભારે જનમેદનીને કારણે હાજર ધારાશાસ્ત્રીઓમાં સમરસ પેનલની જીત નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ઉદયભાઈ કાનગડ અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેઓએ પેનલને શુભેચ્છા સંદેશ પાઠવી પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ભાજપ પ્રેરિત આ પેનલને ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના લીગલ સેલ દ્વારા અગાઉથી જ ટેકો જાહેર કરી દેવામાં આવ્યો હતો, જે સાંસદ રામ મોકરીયાએ કાર્યાલયના ઓપનિંગ વખતે સ્પષ્ટ કરી દીધું હતું. આ કાર્યાલયના ઓપનિંગ સમયે લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી સહિત અનેક સિનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓની પ્રેરક હાજરી રહી હતી



