ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિની માર્ગદર્શિકા મુજબ વિસાવદરની ત્રણેય કોર્ટ સહિત સમગ્ર રાજ્યમાં તા.14મી ડિસેમ્બરના રોજ ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પીજીવીસીએલ.કંપનીના વીજ બીલના તમામ પ્રકારના દાવાઓ તથા કોર્ટના હુકમ બાદ કોર્ટમાં કરવામાં આવેલી રકમ વસુલ કરવાની દરખાસ્તો તથા વીજ ચોરીનું બિલ હોય તેવા ગ્રાહકોને વર્તમાન વીજ કંપનીની થ્રિ ટાયર સ્કીમ મુજબ રકમ ભરી 20% કે વધુમાં વધુ રૂપિયા 20,000 તે બન્ને માંથી જે ઓછું થતું હશે તેનો લાભ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.
વીજ કંપનીના રકમ ભરવાના જુના કેસોમાં વ્યાજ, કોર્ટ ફી,વકીલ ફી માફ કરી આપવામાં આવનાર છે. બેંકોના લેણા અંગેના દાવાઓ અને દરખાસ્તોમાં તથા પક્ષકારો વચ્ચેના દીવાની દાવાઓ તથા ફોજદારી કબૂલાત પાત્ર કેસો અને પારિવારિક તકરારોને લગતી અરજીઓમાં પણ બંને પક્ષને યોગ્ય લાભ મળે અને તકરારનો સુખદ ઉકેલ લાવવામાં આવે તે માટે વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા છેલ્લા બે મહિનાથી આ અંગે પીજીવીસીએલના બંને સબ ડીવીઝનના નાયબ ઇજને, બેંકોના મેનેજર, વકીલ મંડળ તથા પોલીસ વિભાગ સાથે મિટિંગો યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તથા અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળી તથા ફેમિલી જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપી લોક અદાલતને સફળ બનાવવા માટે પ્રયત્નો થઇ રહેલ છે. ત્રણેય કોર્ટના સ્ટાફ તથા વિસાવદર બારના તમામ વકીલો દ્વારા પણ અગાઉથી લોક અદાલતમાં મુકવા લાયક કેસો અંગે આગોતરું આયોજન કરાયું છે. વિસાવદરના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીનો કોર્ટના સમય દરમિયાન સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.