ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સમાં ભવ્ય કાર્યક્રમ
આતશબાજી કાર્યક્રમના સ્થળની મુલાકાત લેતા અધિકારીઓ-પદાધિકારીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ તા.30/10/2024 શુક્રવાર ધનતેરસના શુભ દિવસે સાંજે 07:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.આ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા, તડામાર તૈયારીના ભાગરૂપે ગત તા.24/10/2024 ગુરૂવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આ કામની સંબંધિત એજન્સીનાં પ્રતિનિધિઓને સાથે રાખીને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમ્યાન ડાયસ કાર્યક્રમ, મંડપ, સાઉન્ડ, બેરીકેટીંગ વી.વી.આઈ.પી/વી.આઈ.પી. તથા જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા બંદોબસ્ત, એન્ટ્રી ગેઇટ, ફાયર ફાઈટર, મેડીકલ ટીમ તથા અન્ય આનુસાંગિક વ્યવસ્થા અંગે રીવ્યુ કરવામાં આવ્યું અને અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સ્થળ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, રેસકોર્ષ સંકુલના ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનિયર અમિત શાહ, મેનેજર કે.બી.ઉનાવા, આસી.એન્જીનિયર મહેશ પ્રજાપતિ, ડી.બી.ગજેરા, વર્ક આસી. મયુર પડધરીયા, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર ચાંચીયાભાઈ તથા અન્ય સ્ટાફ તથા સુરક્ષા વિભાગના પી.એસ.આઈ.ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ હાજર રહેલ હતા.